નિર્દેશક તરીકે પંકજ પરાશરે પહેલી ફિલ્મ ‘અબ આયેગા મજા’ કરી હતી. એ પછી સિરિયલ ‘કરમચંદ’ કરી હતી. એના
ચાર એપિસોડમાં નસીરુદ્દીન શાહે અવાજ આપ્યો હતો અને એ કારણે પ્રભાવિત હોવાથી ‘જલવા’ માટે કહ્યું હતું. ‘કરમચંદ’ માં કૃતિકા દેસાઇ કામ કરી રહી હતી ત્યારે એક પુસ્તક પંકજને વાંચવા માટે આપ્યું હતું. એને ઘણા દિવસ સુધી પરત ના કરી એટલે કૃતિકાના પિતાએ કહ્યું કે પુસ્તક ક્યાં ગયું? કૃતિકાએ પંકજનું નામ આપ્યું એટલે એમણે ફોન કર્યો. અને એમણે બરાબર વાત ના કરી તેથી પંકજે ગુસ્સામાં નક્કી કર્યું કે એમના મોં પર એ પુસ્તક મારશે.
પંકજ એમના ઘરે ગયો ત્યારે પાર્ટી ચાલી રહી હતી. ત્યાં ઓમ પૂરી વગેરે ઘણા સ્ટાર્સ હતા. પંકજે પુસ્તક આપી દીધું ત્યારે એમણે પાર્ટીમાં જોડાવા કહ્યું. પંકજ રોકાઈ ગયો અને એણે જોયું કે એક જગ્યાએ નસીરુદ્દીન બેઠા બેઠા પી રહ્યા હતા. એમણે ‘કરમચંદ’ માટે વખાણ કરીને પૂછ્યું કે બીજું શું કરી રહ્યો છે? ત્યારે પંકજે કહ્યું કે ફિલ્મ ‘ટાર્ઝન’ બનાવી રહ્યો છું. નસીરે પૂછ્યું કે એમાં કોણ હે? પંકજે કહ્યું કે હેમંત બિરજે છે. ત્યારે નસીરે કહ્યું કે તું ફિલ્મ ઇન્સ્ટીટ્યુટનો ગોલ્ડ મેડલિસ્ટ છે. તેં ‘કરમચંદ’ બનાવી છે અને હેમંત બિરજે સાથે ‘ટાર્ઝન’ જેવી ભંગાર ફિલ્મ બનાવી રહ્યો છે? પંકજે કહ્યું કે એમાં કિમી કાટકર છે અને ગુલ આનંદ માટે બનાવી રહ્યો છું.

પંકજે કહ્યું કે તમે તમારું પીવાનું ચાલુ રાખો. પછી નસીરે કહ્યું કે તું મને ટાર્ઝન તરીકે લઈને ફિલ્મ બનાવ. પંકજે કહ્યું કે તેં વધારે પી લીધું છે. અને ત્યાંથી નીકળી ગયા. બીજા દિવસે પંકજે આ વાત નિર્માતા ગુલ આનંદને કરી. ગુલે નસીરને ફોન કર્યો ત્યારે એમણે કહ્યું કે હું ટાર્ઝન જેવી બોડી બનાવીશ. પંકજે ગુલને ના પાડી પણ એમણે કહ્યું કે આપણે ફિલ્મ બનાવીએ. અને પંકજે ફિલ્મ લખવાની શરૂ કરી. ‘જલવા’ બાની ગયા પછી એને જોનાર પ્રથમ નિર્માતા એ. પૂર્ણચંદ્ર રાવ હતા. દક્ષિણના સૌથી મોટા નિર્માતા એ. પૂર્ણચંદ્ર રાવ પંકજના પિતાના મિત્ર હતા.
ફિલ્મ ‘આખરી રાસ્તા’ વખતે સમસ્યા આવી હતી એને સુલઝાવવામાં એમણે એ. પૂર્ણચંદ્ર રાવને મદદ કરી હતી. એમની સાથે ઓળખાણ હતી પણ ફિલ્મ માટે એમણે ક્યારેય કહ્યું ન હતું. પંકજ પરાશરે નસીરુદ્દીન શાહ સાથે ફિલ્મ ‘જલવા’ બનાવી અને એનો ટ્રાયલ શૉ રાખ્યો હતો. પંકજને ખબર ન હતી અને નિર્માતા એલ.વી. પ્રસાદ એ ફિલ્મ જોવા થિયેટરમાં આવીને બેઠા હતા. એમણે પંકજને ફિલ્મ માટે શાબાશી આપી હતી. એ પછી પ્રસાદે એ. પૂર્ણચંદ્ર રાવને મળીને કહ્યું કે તું રિમેક અને બીજી ફિલ્મો બનાવ્યા કરે છે પણ એક છોકરો છે પંકજ એની સાથે કશુંક અલગ બનાવી શકાય એમ છે. મેં એની ફિલ્મ ‘જલવા’ જોઈ છે. એ. પૂર્ણચંદ્ર રાવે પંકજના પિતાને ફોન કર્યો અને કહી દીધું કે હું તારા પુત્રને એક ફિલ્મ માટે સાઇન કરવા માંગું છું.

પિતાએ પુત્ર પંકજને કહ્યું કે તારે એ. પૂર્ણચંદ્ર રાવને મળવા જવાનું છે. એમને કશું પૂછવાનું નહીં. ફક્ત માથું હલાવી સંમતિ આપવાની. તારું ફિલ્મ અને ટીવી ઈન્સ્ટીટ્યૂટનું એને જ્ઞાન આપીશ નહીં. એ એમ કહે કે તને પાંચા રૂપિયામાં સાઇન કરું છું તો પણ હા પાડી દેજે. એમના ઘરેથી નીકળે ત્યારે ફિલ્મ મેળવીને જ આવજે.
(નસીરુદ્દીન સાથેની ‘જલવા’ એ પંકજ પરાશરને ‘ચાલબાઝ’ કેવી રીતે અપાવી એની રસપ્રદ વાતો હવે પછીના લેખમાં વાંચશો.)


