‘હો ગયા હૈ તુજકો’ ને બે ગીતની ધૂનો મિશ્ર કરી બનાવ્યું હતું!

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (1995) માટે સંગીતકાર જતિન -લલિતને આશા ભોંસલેને કારણે તક મળી ગઈ હતી અને જ્યારે આ ફિલ્મ (DDLJ) મળી ત્યારે એમને કલ્પના ન હતી કે એનું કાલજયી સંગીત તૈયાર થશે.

ફિલ્મને 30 વર્ષ પૂરાં થયા એ નિમિત્તે સંગીતકાર બેલડીના લલિત પંડિતે ફિલ્મ કેવી રીતે મળી અને એના ગીતો કેવી રીતે તૈયાર થયા એની ઘણી રસપ્રદ વાતો કરી હતી. જતિન -લલિત ફિલ્મોમાં સારું સંગીત આપી રહ્યા હતા અને એમના માટે આશા ભોંસલેએ કેટલાક ગીતો ગાયા હતા.

એક દિવસ એમણે પૂછ્યું કે કેવું કામ ચાલી રહ્યું છે? બંનેએ કહ્યું કે સારું ચાલી રહ્યું છે. એમણે પૂછ્યું કે, ‘યશજી સાથે કામ કર્યું છે?’ બંનેએ ‘ના’ પાડી. આશાજીએ તરત જ યશજીને ફોન લગાવ્યો અને પૂછ્યું કે તમે જતિન -લલિતનું સંગીત સાંભળ્યું છે? બહુ સરસ આપે છે. ત્યારે સામેથી યશજી કહ્યું કે એમને ફોન કરે અને મુલાકાત કરે. બંને એમને મળવા ગયા ત્યારે ખબર ન હતી કે આદિત્ય ચોપડાની ફિલ્મ માટે બોલાવ્યા હશે. એમને હતું કે યશજીના નિર્દેશનમાં કોઈ ફિલ્મ માટે એમને મળવા બોલાવ્યા છે. તેમને ફિલ્મનું નામ કે કલાકારો વિશે ખાસ જાણ નહોતી. તેમણે તે સમયે તૈયાર કરેલી કેટલીક ધૂનો રજૂ કરી. જેમાં ‘મેહંદી લગા કે રખના’ અને ‘મેરે ખ્વાબોં મેં જો આયે’ની શરૂઆતની ધૂનોનો સમાવેશ થતો હતો.

આ ધૂનો આદિત્ય ચોપરાને એટલી પસંદ આવી કે તરત જ તેમને ફિલ્મ મળી ગઈ હતી. ત્યારે યશજીએ કહ્યું હતું કે બધાં જ ગીતો લતા મંગેશકર ગાશે. અને લતાજીના સ્વરમાં ચાર ગીતો તૈયાર થઈ ગયા પછી જતિને લલિતને યાદ કરાવ્યું કે આપણાંને ફિલ્મ તો આશાજીને લીધે મળી છે અને એમની પાસે એક પણ ગીત ગવડાવ્યું નથી. એમને કેટલું ખરાબ લાગશે? અને ત્યારે એક જ ગીતનું રેકોર્ડિંગ બાકી હતું. જ્યારે તેઓ આશાજી પાસે ગયા ત્યારે એમણે હસીને કહ્યું હતું કે દીદી પાસે બધાં ગીતો ગવડાવી લીધા ને! અને પછી એમની પાસે ‘ઝરા સા ઝૂમ લૂં મૈં’ ગવડાવ્યું હતું. આશા ભોંસલેનો અવાજ ગીતમાં રહેલી મસ્તી અને ખુશમિજાજીને સંપૂર્ણ રીતે રજૂ કરે છે. આ ગીતની એક કહાની છે. તેની ધૂન લલિતને અડધી રાત્રે સૂઝી હતી.

ફિલ્મમાં પરિસ્થિતિ એવી હતી કે સિમરન ઠંડીથી બચવા માટે આકસ્મિક રીતે થોડો આલ્કોહોલ પી લે છે. જેના કારણે તે નશામાં આવી જાય છે. આ ગીત નશામાં ધૂત સિમરનની બેફિકર અને મુક્ત ભાવના દર્શાવતું હતું. એ ધૂન કોઈને ખાસ પસંદ આવી નહીં. એ પછી આ ગીત માટે એમણે બે-ત્રણ ધૂન રજૂ કરી એને પણ નકારવામાં આવી. પરંતુ એક દિવસ ‘ઘર આજા પરદેસી’ ગીત માટે બેઠક હતી ત્યારે ગીતકાર આનંદ બક્ષીએ એ ધૂન યાદ કરી. યશજીએ કહ્યું કે ધૂનમાં બહુ જોશ અને ગતિ છે. છોકરીએ શરાબ પીધી હોય ત્યારે એ આટલા જોશમાં કેવી રીતે ગાઈ શકે? ત્યારે બક્ષીએ સમજાવ્યું કે જ્યારે વરિષ્ઠ વ્યક્તિ પીએ છે ત્યારે એનું વર્તન અલગ હોય છે. પણ કોઈ ટીનએજ છોકરી પીએ ત્યારે એના પ્રત્યાઘાત અલગ હોય છે. એ તો મસ્તી જ કરવાની છે. ઉદાસ બેસવાની નથી.

હું આ ધૂન પર એક ગીત લખું છું. એમણે ‘જરા સા ઝૂમ લૂં મેં’ લખ્યું ત્યારે બધાંને પસંદ આવ્યું હતું. અન્ય ગીત ‘હો ગયા હૈ તુજકો તો પ્યાર સજના’ ને બે ગીત ભેગાં કરી બનાવવામાં આવ્યું હતું. અસલમાં એક ભારતીય અને એક પશ્ચિમી પ્રકારનું ગીત હતું. આદિત્યએ કહ્યું કે બંનેને ભેગાં કરીને બનાવીએ. સંગીતકાર બેલડીએ પહેલાં કહ્યું કે આ શક્ય નથી. બંને અલગ પ્રકારના ગીત છે. પછી માની ગયા હતા અને બે અલગ-અલગ ગીતોની ધૂનને મિશ્રિત કરીને એક ગીત બનાવવામાં આવ્યું હતું. ગીતનો પહેલો ભાગ અને કોરસની મુખ્ય પંક્તિઓમાં અલગ-અલગ ટેમ્પો (ગતિ) છે. એમાં ભારતીય અને પશ્ચિમી લયનું મિશ્રણ છે. જ્યારે ‘તુઝે દેખા તો યે’ ગીતનું મુખડું આદિત્ય ચોપડાએ જ લખ્યું હતું. ત્યાર પછીની પંક્તિઓ આનંદ બક્ષીએ લખી હતી.

આ ગીત માટે ટીમને શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ‘રુક જા ઓ દિલ દીવાને’ ગીતની શરૂઆતમાં જે પિયાનોનો ટુકડો વાગે છે તે જતિન-લલિતે બનાવેલી ધૂન નહોતી. આદિત્ય ચોપડાએ પોતે પિયાનો વગાડીને તે ટુકડો ઉમેર્યો હતો. કારણ કે તેમને જતિન-લલિત દ્વારા બનાવેલું મૂળ કમ્પોઝિશન થોડું વધારે સાદું લાગ્યું હતું. કેમ કે તે એમાં એક ‘જંગલી’ અને મજાકિયા કંપન ઈચ્છતા હતા.