રાજ કપૂરની ક્લાસિક ફિલ્મ ‘આવારા’ (1951) માત્ર એક સિનેમા નથી પણ ભારતીય ફિલ્મોના ઈતિહાસનું એક જીવંત
પ્રકરણ છે. આ ફિલ્મની સફર ખરેખર તો એક વૈચારિક સંઘર્ષથી શરૂ થઈ હતી કે શું માણસ તેના જન્મ અને લોહીને કારણે સારો કે ખરાબ બને છે કે પછી તેની આસપાસના માહોલ અને પરિસ્થિતિને કારણે? લેખક ખ્વાજા અહેમદ અબ્બાસ અને વી.પી. સાઠે જ્યારે આ અદભૂત વાર્તા લઈને મહબૂબ ખાન પાસે ગયા ત્યારે મહબૂબ ખાનને વાર્તા તો ગમી પણ કાસ્ટિંગમાં દિલીપકુમાર અને અશોકકુમાર જોઈતા હતા. પરંતુ લેખકોની જીદ હતી કે એમાં પૃથ્વીરાજ કપૂર અને રાજ કપૂર જ હોવા જોઈએ.
અંતે આ વાર્તા રાજ કપૂરના હાથમાં આવી. તે સમયે રાજ ‘બરસાત’ની સફળતા પછી કોઈ મજબૂત વાર્તાની શોધમાં હતા. જોકે, એમના માટે પડકાર એ હતો કે પિતા પૃથ્વીરાજને આ ફિલ્મમાં કામ કરવા કેવી રીતે મનાવવા. કારણ કે પૃથ્વીરાજજીને એવું લાગતું હતું કે રાજ હજુ એટલો અનુભવી નથી કે આવી ગંભીર ફિલ્મનું નિર્દેશન કરી શકે. લેખકોએ જ્યારે તેમને ખાતરી આપી ત્યારે માંડ તેઓ રાજી થયા હતા.

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમાં કપૂર પરિવારની ચાર પેઢીઓ એકસાથે જોવા મળી હતી. રાજ કપૂર પોતે હીરો અને દિગ્દર્શક હતા. પૃથ્વીરાજે તેમના પિતાની ભૂમિકા ભજવી હતી. રાજના દાદા દીવાન બશેશ્વરનાથ કપૂરે ફિલ્મમાં જજની નાની પણ મહત્વની ભૂમિકા ભજવી અને રાજના નાનપણનો રોલ તેમના નાના ભાઈ શશીએ કર્યો હતો. શૂટિંગ દરમિયાન દાદા બશેશ્વરનાથ સાથેનો કિસ્સો પણ મજેદાર છે. જ્યારે રાજ કપૂરે તેમને લખેલા સંવાદ બોલવા કહ્યું ત્યારે દાદા ખીજાઈ ગયા અને કહ્યું કે તું મને કાયદો શીખવાડીશ? છેવટે રાજ કપૂરે તેમની મરજી મુજબના ડાયલોગ શૂટ કરવા પડ્યા હતા. આ જ સમયગાળામાં રાજ અને નરગિસની મિત્રતા પણ ગાઢ બની રહી હતી. જે પડદા પર તેમની કેમિસ્ટ્રીમાં સ્પષ્ટ દેખાતી હતી.
રાજ કપૂરે આ ફિલ્મમાં પહેલીવાર ચાર્લી ચેપ્લિનથી પ્રેરિત ‘લિટલ ટ્રમ્પ’નો લુક અપનાવ્યો હતો, જે પાછળથી તેમની કાયમી ઓળખ બની ગયો. ફિલ્મનું સંગીત અને તેના ગીતોની પાછળની વાર્તા પણ રસપ્રદ છે. ગીતકાર શૈલેન્દ્ર પહેલા ફિલ્મોમાં લખવા માટે જરાય તૈયાર નહોતા. રાજ કપૂરે તેમને ‘આગ’ ફિલ્મ વખતે ઓફર આપી ત્યારે ઠુકરાવી દીધી હતી. પણ જ્યારે શૈલેન્દ્રને તેમની પત્નીની હોસ્પિટલની ડિલિવરી માટે 500 રૂપિયાની જરૂર પડી ત્યારે તેઓ રાજ કપૂર પાસે ગયા. એમણે કોઈ પણ સવાલ વગર પૈસા આપ્યા અને બદલામાં શૈલેન્દ્રએ ‘બરસાત’ માટે ગીતો લખ્યા અને પછી એમની ટીમના અવિભાજ્ય અંગ બની ગયા.

‘આવારા’ શબ્દ પાછળની વાર્તા પણ અદભૂત છે. જ્યારે અબ્બાસ સાહેબે બે કલાક સુધી શૈલેન્દ્રને વાર્તા સંભળાવી ત્યારે શૈલેન્દ્રએ માત્ર એક જ લીટીમાં તેનો સાર કહી દીધો – ‘આવારા હૂં, આવારા હૂં, યા ગર્દિશ મેં હૂં આસમાન કા તારા હૂં, આવારા હૂં.’ આ સાંભળીને અબ્બાસ સાહેબ ઉછળી પડ્યા અને નક્કી થઈ ગયું કે આ જ ફિલ્મનું ટાઈટલ અને મુખ્ય ગીત બનશે.
આ ફિલ્મમાં ભારતીય સિનેમાનું પહેલું ભવ્ય ડ્રીમ સિક્વન્સ ગીત ‘ઘર આયા મેરા પરદેશી’ ફિલ્માવવામાં આવ્યું હતું. નવ મિનિટ લાંબા આ ગીતનો સેટ તૈયાર કરવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો અને જ્યારે શૂટિંગ શરૂ થયું ત્યારે આર.કે. સ્ટુડિયોની છત પણ હજુ બની નહોતી. શંકર-જયકિશને આ ગીતમાં 100 પીસ ઓર્કેસ્ટ્રાનો ઉપયોગ કર્યો હતો. જે તે જમાનામાં એક મોટી વાત હતી.
ફિલ્મ માત્ર ભારત પૂરતી સીમિત ન રહી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જે ધૂમ મચાવી તે આજે પણ રેકોર્ડ છે. ‘આવારા’ એ માત્ર એક ગરીબ છોકરાની ન્યાય મેળવવાની લડાઈ નહોતી પણ તે રાજ કપૂરના વિઝન, શૈલેન્દ્રના શબ્દો અને શંકર-જયકિશનના સંગીતનો એવો સંગમ છે જેણે ભારતીય સિનેમાને વિશ્વના નકશા પર ગૌરવભેર સ્થાપિત કર્યું છે.




