‘યાદોં કી બારાત’ પર ‘વક્ત’ના પ્રભાવની યાદગાર વાતો છે!

બોલિવૂડમાં કેટલીક વાર એક જ વિષય પર અલગ-અલગ દાયકામાં બનેલી બે ફિલ્મો પ્રેક્ષકોને એવી રીતે જોડી રાખે છે કે તેમની વચ્ચેની સામ્યતા જોઈને કોઈ પણ દંગ રહી જાય. આવો જ એક અદ્ભુત અને રસપ્રદ સંબંધ વર્ષ 1965માં આવેલી યશ ચોપરાની ફિલ્મ ‘વક્ત’ (Waqt) અને વર્ષ 1973માં આવેલી નાસિર હુસૈનની ફિલ્મ ‘યાદોં કી બારાત’ (Yaadon Ki Baaraat) વચ્ચે જોવા મળે છે.

પ્રથમ નજરે આ બંને ફિલ્મો પોતપોતાના સમયની અલગ-અલગ શૈલીની માસ્ટરપીસ લાગે છે, પરંતુ જો તેમનાં કથાબીજ અને પાત્રોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો જણાશે કે ‘યાદોં કી બારાત’ પર ‘વક્ત’નો પ્રભાવ ખૂબ જ ઘેરો અને મનોરંજક રહ્યો છે. બંને ફિલ્મોનો પાયો એક જ મુખ્ય વિચાર પર રચાયેલો છે અને તે છે એક સુખી પરિવારનું અચાનક વિખેરાઈ જવું.

‘વક્ત’ અને ‘યાદોં કી બારાત’ બંનેની શરૂઆતમાં એક પ્રેમાળ પરિવાર બતાવવામાં આવે છે, જેમાં માતા-પિતા અને તેમના ત્રણ નાના પુત્રો સાથે રહેતા હોય છે. પછી કિસ્મતના ખેલ અને સંજોગોને કારણે આખો પરિવાર એકબીજાથી છૂટો પડી જાય છે.

અલબત્ત, પરિવાર અલગ થવાનાં કારણો બંને ફિલ્મોમાં જુદાં-જુદાં છે. અંતિમ ચરણમાં બંને ફિલ્મોના પરિવાર તમામ વિટંબણાઓ પાર કરીને ફરી એક થાય છે.

વાર્તા આગળ વધે છે તેમ બંને ફિલ્મોમાં ભાઈઓ વચ્ચે-વચ્ચે એકબીજાને મળે છે, વિવિધ પ્રસંગોએ સાથે આવે છે, પરંતુ એકબીજાની અસલી ઓળખથી સાવ અજાણ રહે છે. તેમને ખબર નથી હોતી કે તેઓ સગા ભાઈઓ છે.

આ તણાવ અને સસ્પેન્સ પ્રેક્ષકોને પડદા સાથે જકડી રાખે છે. માત્ર વાર્તા જ નહીં, પરંતુ પાત્રોના લેખન અને તેમના કારનામાઓમાં પણ સામ્યતા છે.

‘વક્ત’ ફિલ્મમાં રાજકુમાર મોટા ભાઈ તરીકે એક ચાલાક અને દિલદાર ચોરનું પાત્ર ભજવે છે. બરાબર એ જ રીતે ‘યાદોં કી બારાત’માં પણ ધર્મેન્દ્ર મોટા ભાઈ તરીકે એક નિર્ભય ચોરની ભૂમિકામાં છે. ચોરીનાં દૃશ્યોમાં પણ લગભગ એકસરખી કલ્પના જોવા મળે છે.

‘વક્ત’માં રાજકુમારના પાત્રને એક ભવ્ય સમારંભમાંથી રાણી સાહિબાનો કિંમતી હીરાનો હાર ચોરવાનું મિશન મળે છે. આશ્ચર્યજનક રીતે ‘યાદોં કી બારાત’માં પણ ધર્મેન્દ્રનું પાત્ર એક મોટા, હાઈ-પ્રોફાઇલ સમારંભમાંથી રાણી સાહિબાનો જ હાર ચોરતું નજરે પડે છે.

ફિલ્મના વિલન અને તેના ગેટઅપમાં પણ બોલિવૂડનો એ જ જૂનો અંદાજ પુનરાવર્તિત થયો હતો. ‘વક્ત’માં મદન પુરીને જે ખાસ પ્રકારનો ગેટઅપ, સૂટ અને વિગ આપવામાં આવ્યાં હતાં, લગભગ તે જ પ્રકારનો ગેટઅપ ‘યાદોં કી બારાત’માં ફાઇટ માસ્ટર અને અભિનેતા શેટ્ટીને આપવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે શેટ્ટી પોતાના ટાલવાળા લુક માટે જાણીતા હતા અને ભાગ્યે જ વિગ પહેરતા હતા, પરંતુ ‘યાદોં કી બારાત’માં ખાસ ગેટઅપને અનુરૂપ દેખાવા માટે તેમને વિગ પહેરાવવામાં આવી હતી.

આ બંને ફિલ્મોના ચર્ચિત સંવાદો અને ખાસ કરીને ચાકુવાળાં દૃશ્યોમાં તો એવી સમાનતા છે, જે સિનેપ્રેમીઓના ચહેરા પર સ્મિત લાવી દે છે. બંને ફિલ્મોમાં જ્યારે વિલન અચાનક ચાકુ બહાર કાઢીને હીરોને ડરાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે હીરો તેને ખૂબ જ ઠંડા અંદાજમાં વળતો જવાબ આપે છે.

‘વક્ત’માં જ્યારે મદન પુરી ચાકુ કાઢે છે ત્યારે રાજકુમાર પોતાના રોફદાર અવાજમાં અપ્રતિમ અને અમર સંવાદ બોલે છે :

‘યે બચ્ચોં કે ખેલને કી ચીઝ નહીં, હાથ કટ જાયે તો ખૂન નિકલ આતા હૈ.’

બરાબર આવી જ પરિસ્થિતિમાં જ્યારે ‘યાદોં કી બારાત’માં શેટ્ટી ચાકુ કાઢે છે ત્યારે ધર્મેન્દ્ર પણ પૂરા વટ સાથે જવાબ આપતાં કહે છે :

‘કલ સુબહ જબ તુમ્હારા બોસ નાશ્તે કે લિએ બૈઠે, તો ઇસ ચાકૂ સે ઉસકે ટોસ્ટ પર મખ્ખન લગાના.’

આ બધી સમાનતાઓ વચ્ચે સૌથી રસપ્રદ કિસ્સો તો આ ફિલ્મોની કાસ્ટિંગનો છે. જ્યારે યશ ચોપરા ‘વક્ત’ બનાવી રહ્યા હતા ત્યારે તેઓ ચોર બનેલા મોટા ભાઈની ભૂમિકા માટે ધર્મેન્દ્રને સાઇન કરવા માગતા હતા. આ ભૂમિકા પાછળથી રાજકુમારે ભજવી હતી.

પરંતુ તે સમયે ધર્મેન્દ્ર પોતાની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં હતા અને તેમને ડર હતો કે જો તેઓ આટલી નાની ઉંમરે મોટા ભાઈનો રોલ કરશે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાયમ માટે ‘મોટા ભાઈ’ની ટાઇપકાસ્ટ ઇમેજમાં કેદ થઈ જશે. તેથી તેમણે આ ભૂમિકા સ્વીકારી નહોતી. પરંતુ કુદરતની રમત તો જુઓ! જ્યારે વર્ષ 1973માં ‘યાદોં કી બારાત’ બની ત્યારે ધર્મેન્દ્ર પોતે જ મોટા ભાઈનો રોલ કરવા માટે તૈયાર થઈ ગયા!

કારણ કે ત્યાં સુધીમાં તેઓ બોલિવૂડના મોટા સુપરસ્ટાર બની ચૂક્યા હતા અને તેમના નાના ભાઈઓની ભૂમિકા ભજવનારા કલાકારો વિજય અરોરા અને તારિક ખાન તેમની સરખામણીએ નવા અને બહુ જાણીતા નહોતા. આમ, સમયનું ચક્ર એવું ફર્યું કે જે રોલથી ધર્મેન્દ્ર એક સમયે દૂર રહ્યા હતા, એ જ પ્રકારની ભૂમિકાએ આગળ જઈને તેમને બીજા સ્વરૂપમાં સફળતાના શિખરે પહોંચાડ્યા.