ફિલ્મ ‘અનુપમા’ (1966) ના દરેક ગીત પાછળ કેટલીક રસપ્રદ વાતો છુપાયેલી છે. કેફી આઝમીના શબ્દો અને હેમંત કુમારના સંગતથી
ફિલ્મના ગીતો અનુપમ અને અમર બન્યા છે. ‘યા દિલ કી સુનો દુનિયા વાલો, યા મુજકો અભી ચુપ રહેને દો…’ ગીત ફિલ્મનું સૌથી શક્તિશાળી અને માસ્ટરપીસ ગીત છે. આ ગીતને હેમંત કુમારે ગાયું છે, જે તેમના અવાજના ગંભીર અને દાર્શનિક અંદાજને કારણે અમર બની ગયું છે. શરૂઆતમાં ધર્મેન્દ્ર એ વાતથી થોડા ચિંતિત હતા કે તેમના પર હેમંતકુમારના અવાજનું ગીત કેવું લાગશે, પરંતુ ફિલ્મમાં આ ગીત જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આખા ગીત દરમ્યાન ધર્મેન્દ્ર ગાતી વખતે મૂર્તિની જેમ એક જ જગ્યાએ ઊભા રહે છે અને પગ પણ સહેજ ખસેડતા નથી. ગીતનું સંગીત અને પૃષ્ઠભૂમિ એટલી પ્રભાવશાળી છે કે તે દર્શકોના દિલમાં ઊંડી છાપ છોડે છે. આ ગીત માત્ર એક ફિલ્મનું ગીત નથી, પરંતુ જીવનની મુશ્કેલીઓ સામે લડવા અને પોતાના દિલનો અવાજ સાંભળવાની પ્રેરણા આપતું એક દર્શન
‘ક્યોં મુજે ઇતની ખુશી દે દી કે ઘબરાતા હૈ દિલ…’ ગીત ફિલ્મની વાર્તાના અત્યંત મહત્વના અને ભાવાનાત્મક વળાંક પર આવે છે. કેફી આઝમી દ્વારા લખાયેલી આ પંક્તિઓ માનવ મનની એક અદ્ભુત મનોવૈજ્ઞાનિક સ્થિતિ દર્શાવે છે. જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી દુઃખ સહન કર્યા પછી અચાનક સુખ મળે ત્યારે ડરવા લાગે છે. સંગીત અને ગાયકીનો સમન્વય એટલો સચોટ છે કે તે શ્રોતાઓને ભાવુક કરી દે છે. આ ગીત પાર્ટી અથવા ખુશીના પ્રસંગે વાગે છે, પરંતુ તેની પૃષ્ઠભૂમિમાં પાત્રોના ગહન વિચારો જોડાયેલા છે.

‘કુછ દિલ ને કહા’ ગીતના શૂટિંગ માટે શર્મિલા ટાગોર હેરસ્ટાઈલ બદલીને આવ્યા હતા. જે ઋષિકેશ મુખર્જીને પસંદ નહોતી આવી. તેમણે સમય બગાડ્યા વગર એ જ હેરસ્ટાઈલમાં ગીત શૂટ કરી લીધું હતું, પરંતુ પાછળથી શર્મિલાને પસ્તાવો થયો હતો કે તેમણે નિર્દેશકની વાત માનવી જોઈતી હતી. લતા મંગેશકરના જાદુઈ અવાજમાં આ ગીત ફિલ્મનું અત્યંત લોકપ્રિય અને હૃદયસ્પર્શી ગીત છે. કેફી આઝમીના કવિતાત્મક શબ્દોએ ગીતને ક્લાસિક દરજ્જો અપાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ ગીત સાંભળતી વખતે શ્રોતાઓ પાત્રોની એકલતા અને વેદના અનુભવી શકે છે.
‘ધીરે ધીરે મચલ એ દિલ બેકરાર, કોઈ આતા હૈ…’ ગીતના અંતરામાં કેફી આઝમીએ સાહિર લુધિયાનવીની કલમ અને ૧૯૫૫ની ફિલ્મ ‘મુનીમજી’ના એક ગીતની ઝાંખી ખૂબ જ સુંદર રીતે વણી લીધી છે. હેમંત કુમારે અગાઉ ૧૯૬૨ની ફિલ્મ ‘સાહિબ બીવી ઔર ગુલામ’ માટે એક ધૂન બનાવી હતી, જે તે ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી હતી. હેમંત કુમારને આ ધૂન ખૂબ જ ગમતી હોવાથી તેમણે તે જ ધૂનનો ઉપયોગ ‘અનુપમા’ના આ ગીતમાં કર્યો હતો. નિર્દેશક ઋષિકેશ મુખર્જીએ ખૂબ જ કલાત્મક રીતે આ ગીત દ્વારા એ દર્શાવ્યું છે કે નાયિકાના જીવનમાં નવા વળાંકની શરૂઆત થઈ રહી છે.

‘ભીગી ભીગી ફઝા, સન સન સન…’ ગીત પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે દ્વારા ગવાયેલું છે અને તે ફિલ્મનું એકમાત્ર ખુશમિજાજ અને ઉત્સાહવર્ધક ગીત છે. પડદા પર આ ગીત અભિનેત્રી શશિકલા પર ફિલ્માવવામાં આવ્યું છે, જેમના પાત્રમાં એક અલગ જ ઊર્જા અને જીવંતતા હતી. ગીતનું ફિલ્માંકન મહાબલેશ્વરની રમણીય અને કુદરતી વાદીઓમાં કરવામાં આવ્યું છે, જે દ્રશ્યોને વધુ આકર્ષક બનાવે છે. શશિકલાના અભિનય અને નૃત્યએ આ ગીતમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સંગીતકાર હેમંત કુમારે આ ગીતમાં હળવા અને પ્રકૃતિની નજીક હોય તેવા વાદ્યોનો ઉપયોગ કર્યો છે.
કેફી આઝમીના કલમની જાદુગરી અને હેમંત કુમારના દાર્શનિક સંગીતે ફિલ્મ ‘અનુપમા’ને એક અલગ જ ઊંચાઈ આપી હતી.






