ફિલ્મ ‘નસીબ’ (Naseeb, 1981) નું ‘રંગ જમાકે જાયેંગે…’ (Rang Jamake Jayenge) ગીત ખૂબ
લોકપ્રિય રહ્યું છે. તેમાં અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને શત્રુઘ્ન સિન્હા દેખાય છે. પરંતુ હકીકતમાં આખા ગીતમાં શત્રુઘ્ને જાતે ડાન્સ કર્યો જ નહોતો!
ઋષિ કપૂરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “મનમોહન દેસાઈની ફિલ્મોના ગીતોમાં ભારે મહેનત કરવી પડતી હતી. ‘નસીબ’ના પ્રખ્યાત ક્લાઈમેક્સ ગીત ‘રંગ જમાકે જાયેંગે…’માં હું ચાર્લી ચેપ્લિન બન્યો હતો, અમિતાભ બચ્ચન મેટાડોર બન્યા હતા અને શત્રુઘ્ન સિન્હાને રશિયન કોસેક ડાન્સરનો રોલ અપાયો હતો.

અમે બધા અને ડાન્સ માસ્ટર કમલજી ડાન્સના સ્ટેપ્સ બરાબર કરવા માટે પરસેવો પાડી રહ્યા હતા, પરંતુ શત્રુઘ્ન સિન્હાને કોઈ ચિંતા જ નહોતી. તેઓ પાછળ ખુરશી પર આરામથી બેસી રહેતા હતા. તેના કારણે ઘણા રીટેક પણ થયા હતા.
આખરે કંટાળીને મનમોહન દેસાઈએ એક ટૂંકા કદના અને સારા ડાન્સરને શત્રુઘ્ન સિન્હાના બોડી ડબલ તરીકે વાપર્યો અને ગીતનું શૂટિંગ પૂરું કર્યું. શત્રુઘ્ન કેમેરા પાછળ બેસીને માત્ર ‘શાબાશ, કરો ડાન્સ!’ની બૂમો પાડતા હતા.

મોટી ટ્રેજેડી તો એ થઈ કે જ્યારે ગીત રજૂ થયું ત્યારે લોકોએ અમારા કરતાં શત્રુઘ્નના ડાન્સના વધારે વખાણ કર્યા હતા. હકીકતમાં તેમણે આખા ગીતમાં ડાન્સ કર્યો જ નહોતો!”
શત્રુઘ્ન સિન્હાએ પણ એક મુલાકાતમાં ઋષિ કપૂરની આ વાતનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ઋષિએ જે કહ્યું હતું તે એકદમ સાચું છે. ઋષિ તો સારો ડાન્સ કરતાં જ હતા. ‘ઓમ શાંતિ ઓમ’ (Om Shanti Om) ગીત તેમના ડાન્સનું મોટું ઉદાહરણ છે અને અમિતાભ પણ થોડો-ઘણો ડાન્સ કરી જાણતા હતા.
મને ડાન્સ કરવાનું જરાય ફાવતું નહોતું. મને ભાંગડા પણ આવડતા નહોતા અને એફટીઆઈઆઈ (FTII)માં મારી કથકની તાલીમ પણ અધવચ્ચે જ છૂટી ગઈ હતી.
જ્યારે ડાન્સ માસ્ટરે મને રશિયન કોસેક ડાન્સ કરવા કહ્યું ત્યારે મેં મનમોહન દેસાઈને સ્પષ્ટ કહી દીધું હતું કે આ મારાથી નહીં થાય. શરૂઆતમાં મેં થોડા શોટ્સ આપ્યા, પરંતુ જ્યારે ઝડપી મૂવમેન્ટ્સ આવી ત્યારે મનજી સમજી ગયા કે મારાથી આ શક્ય નથી. એટલે તેમણે બોડી ડબલનો ઉપયોગ કર્યો હતો.
મનજીને મારા જેવો જ દેખાતો એક માણસ મળી ગયો હતો અને તેણે ખૂબ સરસ ડાન્સ કર્યો હતો.”

શત્રુઘ્ન સિન્હાએ પોતાની મર્યાદા સ્વીકારતાં એ પણ જણાવ્યું હતું કે તેઓ સામાન્ય રીતે ‘વન-ટેક આર્ટિસ્ટ’ હતા, પરંતુ ડાન્સમાં કાચા હતા. અગાઉ રેખા સાથેની ફિલ્મ ‘રામપુર કા લક્ષ્મણ’ (Rampur Ka Lakshman, 1972) માં પણ એક ડાન્સ સિક્વન્સ માટે 13 રીટેક લેવા પડ્યા હતા.
આ રીતે, બોલીવૂડના સૌથી લોકપ્રિય ગીતોમાંના એક ‘રંગ જમાકે જાયેંગે…’ પાછળનું આ રસપ્રદ રહસ્ય વર્ષો પછી ખુદ શત્રુઘ્ન સિન્હા અને ઋષિ કપૂરે જાહેર કર્યું હતું.






