ફિલ્મ ‘ગદર : એક પ્રેમ કથા’ (2001) માટે અમીષા પટેલ નિર્દેશક અનિલ શર્માની પહેલી પસંદ
નહોતી. શરૂઆતમાં અનિલ શર્મા કાજોલ અને ઐશ્વર્યા રાય જેવી તે સમયની ટોચની અભિનેત્રીઓને લેવાનું વિચારી રહ્યા હતા. પરંતુ એક એવા વળાંકને કારણે નવી હીરોઈનની પસંદગી કરવી પડી અને અંતે એ નિર્ણય ફિલ્મ માટે આશીર્વાદરૂપ સાબિત થયો.
બન્યું એવું કે, જ્યારે ઝી ગ્રુપ દ્વારા ‘ગદર : એક પ્રેમ કથા’નું આયોજન થયું ત્યારે મુખ્ય ભૂમિકા માટે સની દેઓલની પસંદગી થઈ ચૂકી હતી. ઝી કંપનીએ અનિલ શર્માને સ્પષ્ટ કહ્યું કે સની દેઓલને સાઇન કર્યા બાદ બજેટ મર્યાદિત રહ્યું છે. હવે બે વિકલ્પ છે—અમરીશ પુરી અથવા સ્ટાર હીરોઈન. જો સ્ટાર હીરોઈન લેશો તો અમરીશ પુરીને લઈ શકશો નહીં અને જો અમરીશ પુરીને લેશો તો નવી હીરોઈન સાથે આગળ વધવું પડશે.

અનિલ શર્માએ કોઈ ખચકાટ વિના અમરીશ પુરીની પસંદગી કરી. તેમનું માનવું હતું કે પાકિસ્તાની પિતાના પાત્ર માટે અમરીશ પુરી કરતાં વધુ અસરકારક અભિનેતા બીજો કોઈ હોઈ શકે નહીં. બીજી તરફ, તેમને વિશ્વાસ હતો કે ‘સકીના’નું પાત્ર એટલું મજબૂત છે કે જે પણ નવી અભિનેત્રી આ ભૂમિકા ભજવશે, તે પોતે જ સ્ટાર બની જશે.
ત્યારબાદ નવી હીરોઈનની શોધ શરૂ થઈ. લગભગ 400થી વધુ યુવતીઓનાં ઓડિશન લેવામાં આવ્યા. એમાંથી પહેલા 40, પછી 12 અને અંતે અમીષા પટેલની પસંદગી થઈ. ફિલ્મના ટાઇટલમાં પણ તેમના નામ સાથે ‘Introducing Ameesha Patel’ લખવામાં આવ્યું હતું.

રસપ્રદ વાત એ હતી કે તે જ સમયગાળા દરમિયાન અમીષા પટેલ ઋતિક રોશન સાથે ‘કહો ના… પ્યાર હૈ’ (2000)નું શૂટિંગ કરી રહી હતી. ઘણા લોકોએ તેમને ‘ગદર’ ન કરવાની સલાહ આપી હતી. કારણ કે તે એક પિરિયડ ફિલ્મ હતી અને તેના સફળ થવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવતી હતી. છતાં અમીષાએ પોતાનો નિર્ણય બદલ્યો નહીં.
અમીષાએ ‘સકીના’ના પાત્ર માટે લગભગ છ મહિના સુધી સખત તૈયારી કરી અને પાત્રને સંપૂર્ણ રીતે આત્મસાત કરી લીધું. ફિલ્મ તૈયાર થઈ ગઈ છતાં, સની દેઓલ અને અમરીશ પુરી જેવા મોટા સ્ટાર્સ હોવા છતાં તેને લાંબા સમય સુધી વિતરકો મળ્યા નહોતા.
કોઈ કહેતો કે આ ફિલ્મ પંજાબી ફિલ્મ જેવી લાગે છે અને તેને પંજાબીમાં ડબ કરીને રજૂ કરવી જોઈએ. કેટલાકનું માનવું હતું કે લોકોને ભારતના ભાગલા પર આધારિત ફિલ્મોમાં રસ નથી. તે સમયે વિદેશી લોકેશન્સ અને આધુનિક પ્રેમકથાઓનો ટ્રેન્ડ હતો, તેથી વિતરકો જોખમ લેવા તૈયાર નહોતા.

કેટલાકને એવી પણ ભીતિ હતી કે ભારત-પાકિસ્તાનના વિષયને કારણે ફિલ્મ સેન્સર બોર્ડમાં અટકી જશે. જે પ્રથમ વિતરકે ફિલ્મ જોઈ, તેણે અનિલ શર્માને સલાહ આપી કે સની દેઓલ ફિલ્મમાં સારંગી લઈને જવાના બદલે બંદૂક લઈને જવા જોઈએ! પરંતુ અનિલ શર્માને પોતાની ફિલ્મ પર પૂરો વિશ્વાસ હતો. તેમણે લગભગ 50 જેટલા ટ્રાયલ શો યોજીને વિવિધ વિતરકોને ફિલ્મ બતાવી.
આખરે સૌપ્રથમ જયંતિલાલ ગડાએ પોતાની ટેરિટરી માટે ફિલ્મના વિતરણ અધિકાર ખરીદ્યા. ત્યારબાદ અન્ય વિતરકોનો વિશ્વાસ પણ વધ્યો અને એક પછી એક વિવિધ રાજ્યોના અધિકારો વેચાતા ગયા. જ્યારે ‘ગદર : એક પ્રેમ કથા’ સિનેમાઘરોમાં રજૂ થઈ, ત્યારે તેણે બોક્સ ઓફિસ પર એવો ઈતિહાસ રચ્યો કે આજે પણ તે ભારતીય સિનેમાની સૌથી સફળ અને લોકપ્રિય ફિલ્મોમાં સ્થાન ધરાવે છે.




