નિર્દેશક અર્જુન હિંગોરાનીએ પોતાની નિર્માતા તરીકેની ફિલ્મમાં પણ ત્રણ ‘K’ ના ઉપયોગની જીદ પૂરી કરી હતી. સિંધી ફિલ્મ ‘અબાના’ બનાવનાર અર્જુન હિંગોરાનીએ નિર્દેશક તરીકેની પહેલી હિન્દી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ (1960) માં ધર્મેન્દ્ર અને સાધનાને અભિનયમાં પહેલી વખત તક આપી હતી. આ ફિલ્મ નિષ્ફળ રહ્યા પછી અર્જુન હિંગોરાનીએ બીજી ફિલ્મ માટે 10 વર્ષ સુધી રાહ જોવી પડી હતી.
સતત સંઘર્ષ પછી નિર્દેશક અર્જુને જાતે નિર્માતા બનીને ફિલ્મ ‘કબ? ક્યૂં? ઔર કહાં?’ નું નિર્માણ કર્યું હતું. અગાઉ અભિનયમાં પહેલી વખત તક આપી હતી એ અહેસાનને કારણે ધર્મેન્દ્ર તૈયાર થઈ ગયા હતા અને કોઈ ફી લીધી ન હતી. ફિલ્મ સફળ રહ્યા પછી અર્જુન ફિલ્મના નામમાં ત્રણ ‘K’ ને લકી માનવા લાગ્યા હતા.
એ પછીની એમની કારકિર્દીની નિર્માતા- નિર્દેશક તરીકેની દરેક ફિલ્મમાં અભિનેતા ધર્મેન્દ્ર અને ફિલ્મના નામમાં ત્રણ ‘K’ અચૂક રહેતા હતા. જેમ કે, કહાની કિસ્મત કી (1973), ખેલ ખિલાડી કા (1977), કાતિલોં કે કાતિલ (1981), કરિશ્મા કુદરત કા (1985), કૌન કરે કુરબાની (1991) અને ‘કૈસે કહું કે… પ્યાર હૈ (2003) હતી. એમાં 1986 ની ફિલ્મ ‘સલ્તનત’ નો ઉલ્લેખ અલગ રીતે કરવો પડે એમ છે. કેમ કે, એની એક અલગ કહાની છે. 1981 માં મુકુલ એસ. આનંદ પાસે એક વાર્તા હતી અને એના પરથી ‘સલ્તનત’ નામથી ફિલ્મ બનાવવા માગતા હતા. એ માટે શશી કપૂર અને અમિતાભ બચ્ચનને વાત કરવામાં આવી.
અમિતાભે એવી શરત મૂકી કે નિર્દેશન મુકુલ નહીં પણ કોઈ જાણીતા નિર્દેશક કરે. કેમ કે મુકુલે કોઈ ફિલ્મનું નિર્દેશન કર્યું ન હતું. ‘સલ્તનત’ ની વાર્તા મોટા ફલક પર હતી એટલે એમને મુકુલમાં વિશ્વાસ ન હતો. મુકુલે નક્કી કર્યું કે પોતે વાર્તા લખી હોવાથી બીજાને નિર્દેશન કરવા દેશે નહીં. અમિતાભની શરત ન માની અને એ યોજના બંધ રહી. એ પછી મુકુલે ગુજરાતી ફિલ્મ ‘કંકુ ની કિમત’ (1981) નું નિર્દેશન કર્યું અને પહેલી હિન્દી ફિલ્મ ‘કાનૂન ક્યા કરેગા’ (1984) થી બોલિવૂડમાં શરૂઆત કરી હતી. ત્યાર બાદ‘એતબાર’ (1985) નું નિર્દેશન કર્યું.
એ દરમ્યાનમાં મુકુલની મુલાકાત નિર્દેશક અર્જુન હિંગોરાની સાથે થઈ અને એમને ‘સલ્તનત’ ની વાર્તા સંભળાવી. અર્જુને નિર્માતા તરીકે લીલી ઝંડી આપી પણ ફિલ્મના નામમાં ત્રણ ‘K’ રાખવાનો આગ્રહ રાખ્યો અને ‘કારનામે કમાલ કે’ નામ આપ્યું. મુકુલ આનંદે આ નામ રાખવાની ના પાડી દીધી અને ‘સલ્તનત’ જ રાખ્યું. પરંતુ ગમે તે રીતે અર્જુને એ નામ વાપર્યું. ફિલ્મના શરૂઆતના ટાઈટલ્સમાં ‘પ્રોમિસ યુ- કારનામે કમાલ કે’ લખાવ્યું. એટલું જ નહીં એક પોસ્ટર એવું તૈયાર કરાવ્યુ જેમાં ‘કારનામે કમાલ કે- સલ્તનત’ લખેલું વંચાતું હતું.
