સલમાનની ફિલ્મના ‘હટકે’ ગીતમાં ‘ભાઈ’ આવ્યો!

બોલિવૂડમાં ‘ભાઇજાન’ તરીકે જાણીતા સલમાન ખાનના એક ગીતને ખાસ તૈયાર કરવામાં આવ્યા બાદ એમાં ‘ભાઈ’ શબ્દ કેવી રીતે આવ્યો એની વાત બહુ રસપ્રદ છે. સલમાનની ઘરની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ (1998) ના મુખ્ય સંગીતકાર જતિન – લલિત હતા પણ ફિલ્મ માટે ‘ઓઢલી ચુનરિયા’ ગીત જ્યારે સંગીતકાર હિમેશ રેશમિયા અને ગીતકાર સુધાકર શર્માએ તૈયાર કર્યું અને સંભળાવ્યું ત્યારે નિર્દેશક સોહેલ ખાન સહિતનાને બહુ પસંદ આવ્યું અને એમણે કહ્યું કે આ ટીમનું જ બીજું એક ગીત તૈયાર કરો.

હિમેશે સુધાકર પાસે જઈને ફિલ્મના દ્રશ્યની સ્થિતિ સમજાવીને વધુ એક ગીત લખવા કહ્યું. ત્યારે સુધાકરે કહ્યું કે આપણે આ વખતે એક અનોખું ગીત બનાવીએ. હિમેશ પહેલા ટ્યુન બનાવતા હતા અને સુધાકર એના પર ગીત લખતા હતા. હિમેશે ધૂન બનાવીને સંભળાવી અને સુધાકરે મુખડું લખ્યું કે, ‘તુમ પર હમ હૈં અટકે યારા, દિલ ભી મારે ઝટકે, ક્યોંકિ તુમ હો હટકે.’ આ ગીત સલમાન સહિત ફિલ્મ સાથે સંકળાયેલા બધાને સંભળાવી હિમેશે સુધાકર પાસે આવીને કહ્યું કે ગીત તો સરસ બન્યું છે પણ એક સમસ્યા છે.

સુધાકરે પૂછ્યું કે શું સમસ્યા છે? ત્યારે હિમેશે પૂછ્યું કે ગીતમાં ‘ભાઈ’ શબ્દ આવી શકે એમ છે કે નહીં? સુધાકરે કહ્યું કે આ રોમેન્ટિક ગીતમાં ‘ભાઈ’ ક્યાં આવી શકે? અને એમાં ભાઈ શબ્દને શું લેવાદેવા છે? હિમેશે કહ્યું કે એ ભાઈ સલમાનના અરબાઝભાઈ છે. સલમાન અને કાજોલ ગીત ગાય છે ત્યારે એમાં કાજોલના ભાઈ બનેલા અરબાઝ વિશે કશું કહેવાની ગીતમાં જરૂર જણાઈ હતી. અને સુધાકરે વિચાર કરીને એક પંક્તિ લખી કે, ‘અરે, બચકે રહના પ્યાર મેં પડ જાયે ના તુઝકો ફટકે, ભૈયા કો તૂ ખટકે, હો મેરે ભૈયા તો ભરવાયેંગે તુઝસે પાની કે મટકે.’ અને એ વાત ફિલ્મમાં જે સ્થિતિ હતી એની સાથે બરાબર બંધબેસતી બની ગઈ.

સુધાકર શર્માએ આ ગીત પંદર મિનિટમાં લખી કાઢ્યું હતું પણ એક કાફિયા માટે ત્રણ દિવસ વિચાર કર્યો હતો. ગીતમાં કાફિયા ઓછા પડ્યા હતા. અંતે ‘રટકે’ કાફિયાનો ઉપયોગ કરી ‘તુઝે ભૈયા કો પટાના હોગા, કર લે યાદ યે રટકે’ લખ્યું હતું. હિમેશે શંકા વ્યક્ત કરી હતી કે ‘રટકે’ શબ્દ લોકોની સમજમાં આવશે ખરો ને? ત્યારે સુધાકરે કહ્યું હતું કે આ કાફિયા જ છે. લોકો સમજી લેશે. અને ખરેખર એવું બન્યું કે આખું ગીત લોકોએ આવકાર્યું અને ખૂબ લોકપ્રિય થઈ ગયું.