બોલિવૂડમાં કોઈ એક નાનકડી વસ્તુ આખી ફિલ્મની ઓળખ બની ગઈ હોય
તેવા કિસ્સા બહુ ઓછા છે. ફિલ્મ ‘દિલ હૈ કે માનતા નહીં’ (1991) ની આમિર ખાનની ‘કેપ્ટન કેપ’ એવો જ એક કિસ્સો છે. આ ટોપી વિશે કેટલીક ખૂબ જ રસપ્રદ અને મજેદાર વાતો જાણવા જેવી છે.
આમિર ખાને જણાવ્યું હતું કે ફિલ્મ માટે તેમને યોગ્ય ટોપી મળી રહી ન હતી. એક દિવસ તેઓ નાસિર હુસૈનના ઘરે ગયા ત્યારે ત્યાં 4-5 વર્ષના ભાણિયા ઇમરાન ખાનને એક કેપ પહેરેલો જોયો. આમિરે ઇમરાન પાસેથી એ ટોપી માંગી લીધી, જે પાછળથી ફિલ્મમાં ખૂબ લોકપ્રિય બની ગઈ.

આમિરને જ્યારે ઇમરાન પાસેથી આ ટોપી મળી ત્યારે તે થોડી જૂની અને વપરાયેલી હતી. નિર્દેશક મહેશ ભટ્ટને તેનો એ ‘રફ એન્ડ ટફ’ લુક એટલો ગમી ગયો કે તેમણે આમિરને નવી ટોપી ખરીદવાની ચોખ્ખી ના પાડી દીધી અને એ જ જૂની ટોપી સાથે આખું શૂટિંગ પૂર્ણ કર્યું.
મહેશ ભટ્ટના મતે આ ટોપી માત્ર એક એક્સેસરી નહોતી, પરંતુ આમિર ખાનના પાત્ર ‘રઘુ જેટલી’ના અલ્લડ, બિન્દાસ્ત અને ગરીબ પત્રકારના વ્યક્તિત્વને મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ વસ્તુ હતી. તે એક એવો હીરો હતો જે મધ્યમવર્ગીય હતો અને પોતાની જ ધૂનમાં જીવતો હતો.
તે જમાનામાં મહેશ ભટ્ટે જ આમિરને સૂચન કર્યું હતું કે આ કેપ તેમના લુકને એક અલગ જ ચાર્મ આપશે. શૂટિંગ દરમિયાન આમિરને સતત એવો ડર રહેતો હતો કે જો આ ટોપી ખોવાઈ જશે તો આખી ફિલ્મના દ્રશ્યોની એકરૂપતા બગડી જશે, કારણ કે આવી બીજી અસલ ટોપી માર્કેટમાં મળતી નહોતી.
શૂટિંગ પૂરું થાય એટલે આમિર એ ટોપી કોઈને આપવાને બદલે પોતે જ સાચવીને પોતાની બેગમાં લોક કરીને રાખતા હતા. પૂજા ભટ્ટે પણ એકવાર મજાકમાં કહ્યું હતું કે આમિર સેટ પર બીજી બધી વસ્તુઓ ભૂલી શકતા હતા, પરંતુ એ ટોપી ક્યારેય નહીં!

પૂજાએ જણાવ્યું હતું કે આખી ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર આ ટોપી માટે અત્યંત ચિંતિત રહેતા હતા. શૂટિંગના બ્રેક દરમિયાન પણ આમિર ક્યારેક ટોપી પોતાના ખિસ્સામાં રાખતા અથવા પોતાના પર્સનલ આસિસ્ટન્ટને સોંપી દેતા, જેથી તે ક્યાંય ખોવાઈ ન જાય.
ફિલ્મમાં જોયું હશે કે ઘણા દ્રશ્યોમાં, ખાસ કરીને ગીતોમાં, આમિર ખાન ટોપી પાછળ ફેરવીને (ઉંધી) પણ પહેરે છે. ગીતોના રોમેન્ટિક દ્રશ્યો વખતે આ કોઈ ફેશન સ્ટાઇલ તરીકે ગોઠવવામાં આવ્યું નહોતું. ખરેખર તો રોમેન્ટિક દ્રશ્યો કે ગીતોના શૂટિંગ દરમિયાન જ્યારે આમિર અને પૂજા ભટ્ટ નજીક આવતા ત્યારે ટોપીની આગળની અણી પૂજા ભટ્ટના ચહેરા કે કપાળ સાથે અથડાતી હતી અને શૉટ બગડી જતો હતો.
આ સમસ્યાના ઉકેલ તરીકે આમિરે શૂટિંગ દરમિયાન જ કેપ પાછળ ફેરવી હતી. આ આકસ્મિક જુગાડ એટલો મસ્ત લાગ્યો કે 90ના દાયકાના યુવાનોમાં ‘ઉંધી ટોપી’ પહેરવાનો જોરદાર ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો.




