બી.આર. ચોપરાએ મધુબાલાના નામ પર જાહેરમાં ચોકડી લગાવી

દિલીપકુમારે હા પાડ્યા પછી બી.આર. ચોપરાએ ફિલ્મ ‘નયા દૌર’ (1957) ના મુખ્ય હીરોઈન તરીકે મધુબાલાને લીધા અને બાકીના કલાકારો પણ પસંદ કરી લીધા હતા. ફિલ્મનું 10 દિવસનું શૂટિંગ પણ થઈ ગયું હતું ત્યારે બી.આર. ચોપરા આઉટડોર શૂટિંગ માટે યુનિટને ભોપાલ લઈ જવા માંગતા હતા. મધુબાલાના પિતાએ તેમને મુંબઈની બહાર જવાની પરવાનગી આપી નહીં. જેના કારણે એક મોટો વિવાદ થયો અને મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. જેનો અંત ફિલ્મની રજૂઆતના ઘણા સમય પછી આવ્યો હતો. પરંતુ એ દરમ્યાન ફિલ્મ ઘણી ચર્ચામાં રહી હતી.

મધુબાલાના સ્થાને વૈજયંતિમાલાને લેવામાં આવ્યા હતા. ‘નયા દૌર’ ની જાહેરાતોમાં કલાકારોના નામની યાદીમાં મધુબાલાના નામ પર સ્પષ્ટપણે એક કાળી ચોકડી મારી દેવામાં આવી હતી. આ ચોકડી એ દર્શાવતી હતી કે તે હવે ફિલ્મનો ભાગ નથી. આ પગલું ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ જ સનસનાટીભર્યું હતું. કારણ કે કોઈ અભિનેત્રીને આટલી જાહેર રીતે અપમાનિત કરવામાં આવી હોય તેવું ભાગ્યે જ બન્યું હતું.

આ અપમાનનો વળતો જવાબ આપતાં હોય એમ મધુબાલાના પિતાએ એ જ રીતે ફિલ્મ ટ્રેડ પેપર્સમાં જાહેરાત આપી હતી. એમાં મધુબાલાની ભવિષ્યની ફિલ્મોની યાદી આપવામાં આવી હતી અને તે યાદીમાંથી ‘નયા દૌર’ નામ પર પણ ચોકડી મારી દેવામાં આવી હતી. આ દ્વારા તેમણે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે હવે તેઓ તે પ્રોજેક્ટ સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી. એ ઉપરાંત મધુબાલાના પિતાએ સાઇનિંગ એમાઉન્ટ પાછી આપી ન હતી અને કરાર થયા પછી મધુબાલાને કાઢી મૂકવામાં આવી હોવાનો કેસ કોર્ટમાં દાખલ કરી દીધો હતો. એમણે જણાવ્યુ હતું કે આઉટડોર શુટિંગ બાબતે કોઈ વાત થઈ ન હતી. જે ચોપરાએ કોર્ટ કેસમાં ખોટી સાબિત કરી હતી.

આ ઘટના માત્ર એક કાસ્ટિંગ વિવાદ નહોતો પરંતુ તે દિલીપકુમાર અને મધુબાલાના સાત વર્ષના રોમેન્ટિક સંબંધોના અંતનું મુખ્ય કારણ પણ બની હતી. દિલીપકુમારે કોર્ટમાં બી.આર. ચોપરાની તરફેણમાં જુબાની આપી હતી. જેનાથી મધુબાલા અને તેમના પિતાને ભારે આઘાત લાગ્યો હતો. પાછળથી મધુબાલા સાથેના કાનૂની વિવાદ અંગે પણ ચોપરાએ વાત કરી હતી. ત્યારે તેમણે આ વિવાદને દુઃખદ ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આઉટડોર શુટિંગ ફિલ્મની વાર્તા માટે ખૂબ જ જરૂરી હતું અને તેના પિતાએ વાંધો ઉઠાવ્યો ત્યારે તેમની પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

મધુબાલા પછી પસંદ થનાર વૈજયંતિમાલાએ હંમેશા એવું જાળવી રાખ્યું છે કે તેઓ આ વિવાદમાં પડવા માંગતા ન હતા. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તેમની (મધુબાલા અને દિલીપ કુમાર) વચ્ચે શું થયું તેની મને જાણ નથી. તે મારો વિષય નહોતો. અચાનક તે (મધુબાલા) ચિત્રમાં નહોતી અને મને મુખ્ય ભૂમિકા ભજવવા માટે કહેવામાં આવ્યું હતું. મને રોલ ખૂબ જ ગમ્યો હતો. બસ એટલું જ મહત્ત્વનું હતું.