1973માં રિલીઝ થયેલી ‘યાદોં કી બારાત’ હિન્દી સિનેમાની એવી
ફિલ્મોમાંની એક છે જેણે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ એટલે કે મેળામાં ખોવાઈ ગયેલા ભાઈઓના મિલનની ફોર્મ્યુલાને એક નવી ઊંચાઈ આપી હતી. ફિલ્મ સાથે જોડાયેલી વાતો અને તેના સર્જનની પ્રક્રિયા આજે પણ એટલી જ મજેદાર અને પ્રેરણાદાયક છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મની મૂળ વાર્તા ઇટાલિયન વેસ્ટર્ન ફિલ્મ ‘ડેથ રાઈડ્સ એ હોર્સ’ પરથી પ્રેરિત હતી. નાસિર હુસૈને જ્યારે આ વાર્તા પર કામ શરૂ કર્યું ત્યારે સલીમ-જાવેદે આ જ મૂળપ્લોટ પર ‘ઝંઝીર’ લખી હતી. બંને ફિલ્મોમાં વિલન અજીત હતા અને બંનેમાં હીરો પોતાના માતા-પિતાના કાતિલને શોધે છે. ફેર માત્ર એટલો હતો કે ‘ઝંઝીર’માં એક બાળક હતું જ્યારે ‘યાદોં કી બારાત’ માં ત્રણ ભાઈઓની વાત હતી.

ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને પણ ઘણા કિસ્સા છે. શરૂઆતમાં નાસિર હુસૈન ધર્મેન્દ્રના નાના ભાઈના રોલ માટે અમિતાભ બચ્ચનને લેવા માંગતા હતા. પરંતુ ત્યારે વિતરકોએ અમિતાભને નિષ્ફળ અભિનેતા ગણાવીને લેવાની ના પાડી દીધી હતી. બાદમાં જ્યારે ‘ઝંઝીર’ હિટ થઈ ત્યારે એ જ વિતરકો અમિતાભને લેવા માટે દબાણ કરવા લાગ્યા હતા. ત્યાં સુધીમાં વિજય અરોરા શૂટિંગ શરૂ કરી ચૂક્યા હતા. ફિલ્મમાં આમિર ખાન બાળ કલાકાર તરીકે જોવા મળ્યા હતા. જેમણે તારિક ખાનના બાળપણનો રોલ ભજવ્યો હતો.
ફિલ્મમાં ધર્મેન્દ્રએ પહેલીવાર મોટાભાઈનો ગંભીર રોલ કર્યો હતો. અગાઉ તેમણે ‘વક્ત’ માં આવો જ રોલ ઠુકરાવ્યો હતો. કારણ કે તેમને ડર હતો કે ઈમેજ બદલાઈ જશે. ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં શંકરનું પાત્ર ભજવ્યું હતું. જે સતત પોતાના માતા-પિતાના મોતનો બદલો લેવા તડપે છે. તેમના દેખાવ વિશેની એક બહુ ચર્ચિત વાત એ છે કે ધર્મેન્દ્રના પોતાના વાળ ખૂબ જ સુંદર હોવા છતાં તેમને આખી ફિલ્મમાં વિગ પહેરાવવામાં આવી હતી. આ પાછળનું મુખ્ય કારણ એ હતું કે દિગ્દર્શક નાસિર હુસૈન તેમના પાત્રને અત્યંત ગંભીર, રફ અને બદલાની આગમાં જલતા માણસ તરીકે દેખાડવા માંગતા હતા. આ લૂક વિજય અરોરા અને તારિક ખાનના ચોકલેટી લૂકથી સાવ અલગ હતો. જેણે વાર્તામાં એક તીવ્રતા ઊભી કરી હતી. ફિલ્મના વિલનનું નામ ‘શાકાલ’ રાખવામાં આવ્યું હતું. જે પબ્લિસિટી ઇન્ચાર્જ જી.પી. શાકાલના નામ પરથી લેવામાં આવ્યું હતું. આ જ નામ પાછળથી ‘શાન’ ફિલ્મમાં પણ અમર થઈ ગયું હતું.

સંગીતની વાત કરીએ તો આર.ડી. બર્મનનું સંગીત ફિલ્મનો આત્મા છે. ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’ ગીતના શૂટિંગ વખતે ઝીનત અમાનનો લૂક ખૂબ ચર્ચામાં રહ્યો હતો. નાસિર હુસૈન ઈચ્છતા હતા કે ઝીનત સલવાર-કમીઝ પહેરે પરંતુ ઝીનતે પોતાનો મોર્ડન લૂક રાખવાની જીદ કરી અને તે જ લૂક ઇતિહાસ બની ગયો. આ ગીતની ધૂન એક અંગ્રેજી ગીત ‘ઇફ ઇટ્સ ટ્યુઝડે ધીસ મસ્ટ બી બેલ્જિયમ’ પરથી પ્રેરિત હતી. ‘લેકર હમ દીવાના દિલ’ એ નીતુ સિંહને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. ફિલ્મનું ટાઈટલ ગીત લતા મંગેશકર સાથે પદ્મિની કોલ્હાપુરે અને શિવાંગી કોલ્હાપુરેએ પણ ગાયું હતું. વર્ષ ૧૯૭૩માં ‘બોબી’ પછી ‘યાદોં કી બારાત’ બીજી સૌથી મોટી હિટ સાબિત થઈ હતી. ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં ચીન અને રોમાનિયામાં પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. રોમાનિયામાં આજે પણ આ ફિલ્મના ગીતો ગુંજે છે. બાદમાં આ ફિલ્મની તેલુગુ, તમિલ અને મલયાલમમાં રિમેક બની હતી.




