નિર્દેશક શક્તિ સામંતે જ્યારે ‘ધ ગ્રેટ ગેમ્બલર’ (1979) નો વિચાર કર્યો ત્યારે હકીકતમાં શમ્મી કપૂરને લઈને બનાવવા
માંગતા હતા. પણ છેવટે જ્યારે ‘ધ ગ્રેટ ગેમ્બલર’ બનાવવાનો વારો આવ્યો ત્યારે શક્તિદાએ તે સમયના એન્ગ્રી યંગમેન અમિતાભ બચ્ચનને ડબલ રોલ માટે સાઈન કર્યા હતા. એમાં અમજદ ખાન પણ હતા. અમજદ તેમની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’ ના શૂટિંગ માટે મુંબઈથી ગોવા પોતાની કારમાં જઈ રહ્યા હતા. તેમની સાથે તેમના પત્ની શૈલા ખાન પણ હતા, જેઓ તે સમયે ગર્ભવતી હતા. રસ્તામાં સાવંતવાડી પાસે તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી.
આ અથડામણ એટલી જોરદાર હતી કે કારનું સ્ટિયરિંગ વ્હીલ અમજદ ખાનના ફેફસામાં ખૂંપી ગયું હતું અને તેમના પાંસળીના હાડકાં તૂટી ગયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે અમજદ ખાન મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. આ અકસ્માતને કારણે અમજદ ખાને ‘ધ ગ્રેટ ગેમ્બલર’ છોડવી પડી હતી. શક્તિ સામંતે તેમની રાહ જોવાની તૈયારી બતાવી હતી પરંતુ અમજદ ખાનને સાજા થવામાં ઘણો સમય લાગે તેમ હોવાથી છેવટે ઉત્પલ દત્તને તે રોલમાં લેવામાં આવ્યા હતા.

અમજદ ખાને એક જૂના ઈન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચન સાથેની તેમની મિત્રતા વિશે વાત કરતા આ અકસ્માતનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે તેમને પણજીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે હાલત અત્યંત નાજુક હતી. ઓપરેશન માટે તેમને લોહીની જરૂર હતી અને ‘કોમા’ જેવી સ્થિતિ હતી. પણજીની હોસ્પિટલમાં જ્યારે અમજદ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે ડોક્ટરોએ સર્જરી માટે સંમતિ પત્ર પર સહી માંગી હતી.
અમજદના પરિવારના કોઈ સભ્યો તે સમયે હાજર નહોતા ત્યારે અમિતાભે મિત્ર તરીકે તેના પર સહી કરી હતી. અમજદ તેમના ભરાવદાર શરીર માટે જાણીતા હતા પણ ઘણા લોકો નથી જાણતા કે આ અકસ્માત જ તેનું મુખ્ય કારણ હતું. ઈજાઓ એટલી ગંભીર હતી કે તેમને લાંબા સમય સુધી વ્હીલચેર પર રહેવું પડ્યું હતું અને ઘણી બધી દવાઓ લેવી પડી હતી. આ દવાઓની આડઅસરને કારણે તેમનું વજન સતત વધતું ગયું હતું.

અકસ્માત પછી અમજદ ખાને ફરીથી કામ શરૂ કર્યું અને અમિતાભ સાથે જ લાવારિસ, યારાના અને કાલિયા જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. આ ફિલ્મો દરમિયાન સેટ પરના લોકો કહેતા કે અમજદમાં કામ કરવાનો ઉત્સાહ પહેલા કરતા પણ વધી ગયો હતો. શક્તિ સામંત હંમેશા કહેતા કે અમજદ ખાનનું જીવન બચવું એ એક ચમત્કાર હતો અને સાજા થયા પછી જે પરિવર્તન આવ્યું તે તેમના નવા જીવન જેવું જ હતું.



