હિન્દી સિનેમાના ઇતિહાસમાં દિલીપ કુમાર અને મધુબાલાની ‘મોગલે આઝમ’ (1960) જેવી ભવ્ય અને કલાત્મક ફિલ્મ
ભાગ્યે જ બની હશે. આ ફિલ્મનું દરેક પાત્ર, સેટ અને દિગ્દર્શન અદભુત હતું, પરંતુ તેની સાચી આત્મા તેના શાહી અને વજનદાર સંવાદોમાં વસેલી હતી.
જે જમાનામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેખકોને આખી ફિલ્મ માટે કે દર મહિને સામાન્ય રકમ મળતી હતી, તે સમયમાં કમાલ અમરોહીએ આ ફિલ્મની પટકથા અને સંવાદો લખવા માટે એવું માતબર મહેનતાણું માંગ્યું હતું કે સૌ ચોંકી ગયા હતા.
કમાલ અમરોહીના પુત્ર તાજદાર અમરોહીએ એક ઇન્ટરવ્યુમાં આ ફિલ્મના નિર્માણ પાછળનો રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. એક સમયે કોઈ મુદ્દે કમાલ અમરોહી અને દિગ્દર્શક કે. આસિફ વચ્ચે અણબનાવ થયો અને બંનેએ સાથે કામ ન કરવાની જીદ પકડી લીધી.

સમય જતાં કે. આસિફને સમજાયું કે કમાલ અમરોહીની કલમ વગર આ ફિલ્મ અધૂરી છે. સમાધાન માટે તેઓ પ્રખ્યાત લેખક તથા ઝીનત અમાનના પિતા અમાન ખાનને સાથે લઈને કમાલ અમરોહીના ઘરે પહોંચ્યા.
કમાલ અમરોહીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “મારે આ ફિલ્મ નથી લખવી.” બંને વચ્ચે લાંબી ચર્ચા અને રસાકસી ચાલી. અંતે કે. આસિફ પોતાનો અહંકાર છોડીને કમાલ અમરોહીને ભેટી પડ્યા અને સ્વીકાર્યું કે તેમને કોઈના કામથી સંતોષ થઈ રહ્યો નથી અને આ ફિલ્મ માત્ર તેઓ જ લખી શકે. જ્યારે મહેનતાણાની વાત આવી ત્યારે કમાલ અમરોહીએ અનોખી શરત મૂકી. તેમણે કહ્યું, “હું એક દૃશ્ય લખવાના દસ હજાર રૂપિયા લઈશ. મંજૂર હોય તો આપો, નહિતર બીજા કોઈ પાસે લખાવી લો.”

તે સમય માટે આ રકમ અકલ્પનીય હતી. છતાં કે. આસિફે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના આ શરત સ્વીકારી લીધી. આ દમદાર સંવાદોની તાકાત આખી ફિલ્મમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે, સલીમ બળવો પોકારતાં કહે છે: “તો મેરા દિલ ભી આપકા હિન્દુસ્તાન નહીં હૈ, જો આપ ઉસ પર હુકૂમત કરે.”
જવાબમાં અકબર શાહી ગૌરવ સાથે કહે છે:
“હિન્દુસ્તાન કી આબરૂ ઇતની હલ્કી નહીં કી એક નાચીઝ લોંડી કે બરાબર તુમ ઉસે ઠુકરા દો.” ફિલ્મ પૂર્ણ થયા બાદ કે. આસિફે ક્રેડિટ રોલમાં કમાલ અમરોહી સાથે અન્ય ત્રણ લેખકો—અમાન, વજાહત મિર્ઝા અને એહસાન રિઝવી—ના નામ પણ ઉમેર્યા, જેથી સમગ્ર શ્રેય માત્ર એક વ્યક્તિને ન મળે.

આ વાતથી કમાલ અમરોહી નારાજ થયા. તેમનું માનવું હતું કે જો તેમનું નામ એકલા રહેશે, તો બાકીના લેખકોને ભવિષ્યમાં કામ મળવામાં મુશ્કેલી પડી શકે. કારણ કે તે સમયે કમાલ અમરોહીનું નામ જ સફળતાની મોટી ઓળખ બની ગયું હતું.




