બોલિવૂડની સંગીત દુનિયામાં કેટલાક કિસ્સાઓ એટલા રસપ્રદ હોય છે કે દાયકાઓ પછી પણ શ્રોતાઓને વિચારતા કરી દે છે. આવો જ
એક મજેદાર કિસ્સો દિગ્ગજ ગાયક સુરેશ વાડકરે સંગીતકાર એ.આર. રહેમાન સાથેના તેમના સંબંધો અને કામ કરવાની પદ્ધતિ વિશે શેર કર્યો છે.
આ વાત માત્ર એક ગીતના રેકોર્ડિંગની નથી, પરંતુ સંગીતના બે અલગ-અલગ યુગ અને કાર્યશૈલી વચ્ચેની રસપ્રદ ટક્કરની છે. સુરેશ વાડકર અને એ.આર. રહેમાનનો સંબંધ આજનો નથી. રહેમાન જ્યારે બોલિવૂડમાં સુપરસ્ટાર સંગીતકાર બન્યા નહોતા ત્યારે ચેન્નઈમાં તેઓ ‘દિલીપ’ નામથી ઓળખાતા હતા.
બાળપણમાં દિલીપ એટલે કે એ.આર. રહેમાન પ્રખ્યાત સંગીતકાર ઇલૈયારાજાના સ્ટુડિયોમાં પાણીના પ્રવાહની જેમ ખૂબ જ ઝડપથી કીબોર્ડ વગાડતા હતા. તે સમયે સુરેશ વાડકર ત્યાં ગીતો ગાવા માટે જતા હતા. ત્યારે કોને ખબર હતી કે આ નાનો કિશોર આગળ જઈને વૈશ્વિક સ્તરે સંગીતજગતમાં ક્રાંતિ લાવશે અને ભારતને ઓસ્કાર અપાવશે!
વર્ષ 1995માં આવેલી રામ ગોપાલ વર્માની સુપરહિટ ફિલ્મ ‘રંગીલા’ (Rangeela)નું અદ્ભુત ગીત ‘પ્યાર યે જાને કૈસા હૈ’ (Pyar Ye Jaane Kaisa Hai) સુરેશ વાડકર અને કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

આ ગીત શ્રોતાઓમાં ખૂબ લોકપ્રિય બન્યું હતું. સુરેશ માટે આ એક ખુશીનો સમય હતો, કારણ કે તેઓ ‘દિલીપ’ને હવે ‘એ.આર. રહેમાન’ તરીકે જોઈ રહ્યા હતા અને તેમની સાથે કામ કરી રહ્યા હતા.
પરંતુ આ સફળ સહયોગ પછી બંને વચ્ચે એક એવો વળાંક આવ્યો કે ત્યારબાદ તેમણે ક્યારેય સાથે કામ કર્યું નહીં. પડદા પાછળની આ વાત બહુ જ મજેદાર છે. એ.આર. રહેમાનની કામ કરવાની શૈલી અન્ય સંગીતકારો કરતાં અલગ છે. તેઓ મોડી રાત્રે એટલે કે સવારના ત્રણ-ચાર વાગ્યા સુધી કામ કરે છે અને બપોરે મોડેથી ઊઠે છે.
‘રંગીલા’ની સફળતા બાદ રહેમાને મણિરત્નમની એક દ્વિભાષી ફિલ્મ માટે સુરેશ વાડકર અને સાધના સરગમ પાસે બીજું ગીત ડબ કરાવ્યું હતું. આ ગીતના બોલ ‘જોહરા જબી…’માં ઉર્દૂ શબ્દોના ઉચ્ચારણને લઈને બંને વચ્ચે સ્ટુડિયોમાં ચર્ચા થઈ. તેમણે કેટલાક શબ્દો અને ઉચ્ચારણમાં ફેરફાર કરવાનું સૂચવ્યું. રહેમાને સુરેશ વાડકરને કોઈ ખાસ અંદાજમાં ઉર્દૂ શબ્દ ગાવા કહ્યું ત્યારે ઉર્દૂ ભાષાની ઊંડી સમજ ધરાવતા સુરેશથી ન રહેવાયું.

સુરેશ વાડકર શબ્દોના સાચા ઉચ્ચાર અને અર્થ પ્રત્યે ખૂબ જ આગ્રહી હતા. તેમણે હસીને રહેમાનને અટકાવ્યા અને કહ્યું, ‘રહેમાન, તું તમિલ છે અને હું મહારાષ્ટ્રીયન છું, પણ આ શબ્દ ઉર્દૂનો છે. જો હું તેને ખોટી રીતે ગાઈશ તો ઉર્દૂના જાણકારો મને છોડશે નહીં અને મારા માથા પર હાથ નાખી દેશે!’
આ નાની બોલાચાલી અને વિચારોના ટકરાવ બાદ જે ફિલ્મ માટે ગીત રેકોર્ડ કરવામાં આવ્યું હતું, તે ફિલ્મનું તમિલ સંસ્કરણ ન ચાલવાને કારણે તેનું હિન્દી સંસ્કરણ રિલીઝ ન થઈ શક્યું અને પ્રોજેક્ટ બંધ થઈ ગયો. આમ, રહેમાન સાથે સુરેશ વાડકરનું માત્ર ‘રંગીલા’ ફિલ્મનું એકમાત્ર ગીત જ સત્તાવાર રીતે દુનિયા સામે આવી શક્યું.






