ગરમીમાં જ્યારે સરખા શાક ન મળતા હોય ત્યારે કાંદા અને ચણાના લોટનું આ શાક ખરેખર સ્વાદિષ્ટ બને છે! વળી, ઝટપટ બની પણ જાય છે!
સામગ્રીઃ કાંદા 6-7, ચણાનો લોટ ½ કપ, રાઈ ½ ટી.સ્પૂન, જીરુ ½ ટી.સ્પૂન, વરિયાળી ½ ટી.સ્પૂન, તેલ 2 ટે.સ્પૂન, 2-3 ચપટી હીંગ, 1 લીલું મરચું, આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન, ગરમ મસાલો ½ ટી.સ્પૂન, ખમણેલું આદુ 1 ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
રીતઃ કાંદાને લાંબી અને સહેજ જાડી સ્લાઈસમાં સમારી લો.
કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરુનો વઘાર કરો રાઈ-જીરુ તતડે એટલે વરિયાળી તેમજ હીંગનો વઘાર કરી ખમણેલું આદુ નાખીને એકાદ મિનિટ સાંતળીને કાંદાને ઉમેરીને સાંતળો. કાંદા ગુલાબી રંગના સંતળાઈ જાય એટલે તેમાં સમારેલું લીલું મરચું, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ, તેમજ હળદર પાઉડર મેળવો. 2-3 મિનિટ બાદ તેમાં આમચૂર પાઉડર મેળવીને ચણાનો લોટ મેળવી દો. કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે 10 મિનિટ થવા દો.
કાંદા તેમજ લોટ ચઢી જાય એટલે કોથમીર ભભરાવીને તૈયાર શાક રોટલી સાથે પીરસો.







