સહુથી પૌષ્ટિક, ગ્લુટેન ફ્રી અને બહુ જ ઝડપથી બની જાય છે દૂધી-જુવારના લોટના પરાઠા! જે નાસ્તા માટે કે લંચ-ડિનર માટે પણ બનાવી શકાય!
સામગ્રીઃ ખમણેલી દૂધી 1 કપ, જુવારનો લોટ 1 કપ, લીલા મરચાં 3-4,આદુ 2 ઈંચ, જીરૂ 1 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર ½ કપ, અજમો 1 ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, સફેદ તલ 1 ટે.સ્પૂન, પરાઠા શેકવા માટે ઘી
રીતઃ લીલા મરચાં, આદુ તેમજ જીરાને અધકચરા વાટી લો. (આદુ-મરચાંની પેસ્ટ પણ લઈ શકાય છે) અને ખમણેલી દૂધીમાં ઉમેરી દો. સાથે સફેદ તલ, અજમો, સ્વાદ મુજબ મીઠું, જુવારનો લોટ, સમારેલી કોથમીર અને 2 ચમચી ઘી ઉમેરીને લોટ બાંધી લો.
તવો ગેસ ઉપર ગરમ કરીને ગેસની આંચ ધીમી મધ્યમ કરી લો. તવા ઉપર ફરતે થોડું ઘી (1 ચમચી જેટલું) ચમચી વડે લગાડી લેવું.
પાટલા ઉપર એક ચોરસ પ્લાસ્ટીક મૂકીને તેને તેલવાળું કરીને તેની ઉપર દૂધીના લોટમાંથી મોટો લૂવો લઈ તેને થાપીને પરાઠું બનાવવું અને પ્લાસ્ટીક ઉંચકીને તેમાંથી તવા ઉપર પરોઠું શેકવા માટે મૂકી દેવું. પરાઠાની ઉપર ફરતે પણ 1 ચમચી જેટલું ઘી રેડવું. બીજી રીત પ્રમાણે તેલ અથવા ઘી લગાડેલા તવા ઉપર લોટનો લૂવો મૂકીને હાથ વડે થાપી લેવો. અને તવેથા વડે શેકી લેવો.
1 મિનિટ બાદ તવેથાની મદદથી પરાઠું હળવેથી ઉથલાવવું. 1-2 મિનિટ બાદ તે શેકાઈ જાય એટલે થોડું ઘી ઉપર લગાડીને પરાઠું ઉતારી લેવું.
આ જ રીતે બાકીના દૂધી પરાઠા પણ તૈયાર કરી લેવા.
ગરમાગરમ આ પરાઠા લીલી ચટણી કે દહીં સાથે પીરસવા. જો નાસ્તામાં ખાવા હોય તો ચા સાથે પણ પીરસી શકાય.







