દૂધીના મેંદુ વડા

મેંદુ વડા બનાવવા હોય પણ અળદની દાળ પલાળવાનો સમય ના હોય ત્યારે દૂધીમાંથી ઈન્સ્ટન્ટ અસલ મેંદુ વડાના સ્વાદવાળા મેંદુ વડા બની શકે છે.

સામગ્રીઃ દૂધી 500 ગ્રામ, રાઈ ¼ ટી.સ્પૂન, જીરૂ 1 ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, લીલા મરચાં 3-4, આદુ ખમણેલું 1 ટી.સ્પૂન, તેલ, ચાટ મસાલો ½ ટી.સ્પૂન, કોથમીર ધોઈને સમારેલી ½ કપ, બારીક રવો 1 વાટકી, કળીપત્તાના 7-8 પાન ઝીણાં સમારેલાં, ચોખાનો લોટ 2 ટે.સ્પૂન, ઈનો પાઉડર ½ ટી.સ્પૂન

રીતઃ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તેમજ જીરૂનો વઘાર કરી, હીંગ ઉમેરો અને ખમણેલું આદુ, તેમજ મરચાં સમારીને ઉમેરી, સાંતળીને ખમણેલી દૂધી મેળવીને 2-3 મિનિટ સાંતળી 2 કપ પાણી રેડી દો. પાણીને ઉકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં રવો મેળવીને ગેસની મધ્યમ આંચે થવા દો. દરમિયાન ચમચા વડે મિશ્રણ ચારવતા રહો. તેમાંનું પાણી સૂકાય જાય. હવે ગેસ બંધ કરીને મિશ્રણને એક થાળીમાં કાઢીને ઠંડુ થવા દો.

મિશ્રણ ઠંડું થાય એટલે તેમાં ચોખાનો લોટ, ચાટ મસાલો, સમારેલી કોથમીર અને ઈનો પાઉડર મેળવી દો.

કઢાઈમાં તેલ નાખીને ગેસ ઉપર ગરમ થવા દો. તે દરમિયાન વડાના મિશ્રણમાંથી રોટલીના લોટ કરતાં મોટા લૂવા લઈ તેને ગોળ ચપટો આકાર આપીને વચ્ચે આંગળી વડે કાણું પાડો. આ જ રીતે બાકીના લૂવા તૈયાર કરી લો.

તેલ ગરમ થાય એટલે વડા તળવા માટે કઢાઈમાં હળવેથી ઉમેરો. ગેસની આંચ તેજ રાખવી. કારણ કે, રવો તેમજ દૂધીને સાંતળ્યા હોવાથી તે ચઢી ગયા છે.

દૂધીના મેંદુ વડા સોનેરી રંગના તળી લીધા બાદ એક પ્લેટમાં કાઢી લો અને લીલી ચટણી અથવા નાળિયેરની ચટણી સાથે પીરસો.