કોબી શાકમાં તો નથી ભાવતી. પણ તેમાંથી મંચુરીયનના સ્વાદવાળી વડી બનાવવામાં આવે તો બાળકો તેમજ મોટેરાંને પણ તે ભાવશે. વળી તે ઝટપટ બની જાય છે!

સામગ્રીઃ કોબી 400 ગ્રામ, આદુ 1 ઈંચ, લસણ 7-8 કળી, લીલા મરચાં 2-3, સ્વાદ મુજબ મીઠું, જીરૂ 1 ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ધાણાજીરૂ 1 ટી.સ્પૂન, અજમો ¼ ટી.સ્પૂન, સફેદ તલ 4 ટે.સ્પૂન, હીંગ 2-3 ચપટી, કાળા મરી પાઉડર 1 ટી.સ્પૂન, ચોખાનો લોટ ½ કપ, ચણાનો લોટ 1 કપ, ખાવાનો સોડા ¼ ટી.સ્પૂન, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, તેલ વડી તળવા માટે, કોથમીર ધોઈને સમારેલી 1 કપ,
રીતઃ કોબીને ખમણી લો. તેમાં ½ ચમચી જેટલું મીઠું મેળવીને 10 મિનિટ માટે રાખી મૂકો.
મિક્સીમાં આદુના ટુકડા, મરચાં, લસણ તેમજ જીરૂ મેળવીને અધકચરું પીસી લો.
કોબીમાં વાટેલો મસાલો તેમજ હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, અજમો, કાળા મરી પાઉડર, સફેદ તલ, હીંગ, સમારેલી કોથમીર મેળવી દો. કોબીમાં મીઠું મેળવેલું હોવાથી મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવું. આ મિશ્રણ સરખું મિક્સ કરીને તેમાં ચોખાનો તેમજ ચણાનો લોટ મેળવો. ત્યારબાદ ખાવાનો સોડા મેળવી ઉપરથી લીંબુનો રસ ઉમેરીને મિશ્રણ સરખું મિક્સ કરી લો. હાથમાં તેલ લગાડી તેમાંથી લીંબુની સાઈઝના ગોળા વાળીને તેને ચપટો આકાર આપી દો. ગોળાની ઉપર સફેદ તલ લગાડી લો..
ઈડલી બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. ઈડલીના મોલ્ડમાં તેલ લગાડીને તૈયાર કરેલા ગોળા ગોઠવીને 10-15 મિનિટ માટે બાફવા મૂકો. ત્યારબાદ તે ઠંડા થાય એટલે ચપ્પૂ વડે તેના લાંબા ત્રણ પીસ કરી લો. ઈડલીના સ્ટેન્ડમાં જો આ ગોળા બાફવા હોય તો થાળી તેલવાળી કરીને તેમાં મિશ્રણ પાથરીને ઢોકળાની જેમ બાફી શકાય છે. તેમજ તેના ચોરસ કે લંબચોરસ પીસ કરી શકાય છે.
એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી, તેલ ગરમ થાય એટલે ગેસની મધ્યમ આંચે મંચુરીયન વડી સોનેરી રંગની તળી લો.
કોબી મંચુરીયન વડી ટોમેટો કેચ-અપ કે લીલી ચટણી સાથે પીરસો.


