દહીં તીખારી

ગૃહિણીને રોજેરોજ શાક શું બનાવવું એવી મથામણ તો રહી જ! પરંતુ ક્યારેક સાવ સરળ રીતે વગર શાકે, શાક બનાવવું હોય તો તેનો પર્યાય છે, દહીં તીખારી!

સામગ્રીઃ

  • તાજું મોળું દહીં 2 કપ
  • લસણ 10-12 કળી
  • કાંદો 1, તેલ 2 ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • સૂકા લાલ મરચાં 1-2
  • કાશ્મીરી મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • રાઈ ¼ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

રીતઃ કાંદો સમારી લો. લસણ તેમજ લાલ મરચાં પાઉડરને મિક્સ કરીને, વાટીને લસણની ચટણી બનાવી લો.

એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરી દો. રાઈ તતડે એટલે જીરૂ વઘારી સૂકું લાલ મરચું તોડીને તેમાં વઘારી લો. હવે હીંગ વઘારીને કાંદો તેમાં સાંતળી લો. ત્યારબાદ તેમાં લસણની ચટણી સાંતળીને મીઠું સ્વાદ મુજબ, હળદર, ધાણાજીરૂ મેળવીને એકાદ મિનિટ સાંતળીને ગેસ બંધ કરી દો.

મિશ્રણ ઠંડું થાય એટલે તેમાં દહીં મેળવીને કોથમીર ભભરાવીને તૈયાર થયેલું શાક દહીં તીખારી રોટલી, ભાખરી કે પરાઠા સાથે પીરસો.