દાળ ઢોકળી જેને ના ભાવતી હોય, તેને દાળ પોટલી ઘણી જ ભાવશે! તે બનાવવામાં મહેનત થોડીક વધારે છે. પણ સહેજે બની જાય તેવી છે આ દાળ પોટલી!
સામગ્રીઃ તુવેર દાળ 1 કપ, , શીંગદાણા ½ કપ, હળદર ¼ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, આદુ-મરચાંની પેસ્ટ 2 ટી.સ્પૂન, રાઈ ½ ટી.સ્પૂન, જીરૂ ½ ટી.સ્પૂન, મેથી ½ ટી.સ્પૂન, હીંગ ½ ટી.સ્પૂન, તજનો ટુકડો 1 ઈંચ, લવિંગ 2, કળીપત્તાના પાન 8-10, લાલ સૂકા મરચાં 2, ઘી વઘાર માટે 3 ટે.સ્પૂન, સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન, ટામેટાં 2, ચણાના લોટની બારીક સેવ 1 કપ, દાડમના દાણા 2 ટે.સ્પૂન, ખજૂરની ગળી ચટણી, કોથમીરની તીખી લીલી ચટણી
પોટલી બનાવવા માટેઃ બાફેલા બટેટા 3, મરચાં પાઉડર ½ ટી.સ્પૂન, ધાણાજીરૂ પાઉડર ½ ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન સ્વાદ મુજબ મીઠું, સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, સાકર ¼ ટી.સ્પૂન, આદુ-મરચાંની પેસ્ટ 1 ટી.સ્પૂન,
પોટલીની લેયર માટેઃ ઘઉંનો લોટ 1 કપ, મરચાં પાઉડર ½ ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, અજમો ¼ ટી.સ્પૂન,
રીતઃ દાળને 2-3 પાણીએથી ધોઈને પાણીમાં 15 મિનિટ પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારીને કૂકરમાં એક ડબામાં દાળ નાખી તેમાં દાળથી ત્રણ ગણું એટલે કે, 3 કપ પાણી તેમજ હળદર ½ ટી.સ્પૂન અને સ્વાદ મુજબ મીઠું મેળવીને સ્ટીલનું ઢાંકણ ઢાંકી દો, તેની ઉપર એક વાટકીમાં શીંગદાણામાં થોડું પાણી રેડી દો અને આસપાસની ખાલી જગ્યામાં બટેટા ધોઈને બાફવા માટે ગોઠવી દો. હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને ગેસ પર કૂકરની 6-7 સીટી કરી લો. કૂકર ઠંડું થાય એટલે તેનું ઢાંકણ ખોલી દો.
પોટલી બનાવવા માટે બાફેલા બટેટા છોલીને તેનો છૂંદો કરી લો. તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, હળદર, લીંબુનો રસ, સમારેલી કોથમીર, આદુ-મરચાંની પેસ્ટ, સમારેલી કોથમીર તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને તેના નાની સાઈઝના ગોળા વાળી લો.
પોટલીની લેયર માટે એક કપ ઘઉંનો લોટ લઈ તેમાં મસાલા, અજમો, મોણ માટે તેલ તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને પાણી વડે લોટ બાંધી લો.
આ લોટમાંથી નાની સાઈઝની પાતળી પૂરી વણી લો. દરેક પૂરીમાં બટેટાના પૂરણવાળો ગોળો મૂકી પૂરીની કિનારીની ચપટી વાળતા જઈ પોટલીને ઉપરથી ટાઈટ બંધ કરી દો. આ જ રીતે બધી પોટલી તૈયાર કરી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે રાઈ તેમજ જીરાનો વઘાર કરી લીધા બાદ હીંગનો વઘાર કરો. ત્યારબાદ લાલ મરચાંના બે-બે ટુકડા કરીને ઉમેરો. સાથે લવિંગ તેમજ તજ અને કળીપત્તાના પાનનો વઘાર કરી લો. ટામેટાંને ઝીણાં સમારીને હવે ઉમેરો. તેને સાંતળી લીધા બાદ સૂકા મસાલા મેળવીને, સાંતળીને તુવેરદાળને જેરણીથી જેરવીને તેમાં મેળવી દો. 3-4 કપ પાણી મેળવીને દાળ ઉકળવા દો. દાળ ઉકળે એટલે દાળ માટે બનાવેલી પોટલી તેમાં ઉમેરી દો. ગેસની આંચ ધીમી કરીને ઢાંકણ ઢાંકીને 10-15 મિનિટ માટે થવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને જોઈ લેવું. જો પોટલી ઉપર આવીને તરતી હોય તો સમજવું કે તે ચઢી ગઈ છે.
દાળ પોટલી પ્લેટમાં પીરસતી વખતે તેની ઉપર ચણાના લોટની સેવ, દાડમ તેમજ કોથમીર ભભરાવીને પીરસવી. સાથે કોથમીરની તીખી ચટણી તેમજ ખજૂરની ગળી ચટણી રાખવી.





