મરચાંના ડિસ્કો ભજીયા

શિયાળાની કડકડતી ઠંડીમાં સાંજે ગરમાગરમ મરચાંના ડિસ્કો કુરકુરા ભજીયા ખાવા મળે તો મરચાંના ભજીયાના ચાહકોને તો જલસો થઈ જાય! આ ડિસ્કો ભજીયા પૂનાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે, જે ઘરે પણ બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • લાંબા લીલાં મરચાં 100 ગ્રામ
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • અજમો ½ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ચણાનો લોટ 1½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ તળવા માટે
  • ચાટ મસાલો 1 ટે.સ્પૂન
  • કાંદો 1

રીતઃ મરચાંને ધોઈને કપડાં વડે કોરા કરી લો.

ચણાના લોટમાં ધાણાજીરૂ, હીંગ, હળદર, સ્વાદ મુજબ મીઠું તેમજ અજમો હાથેથી થોડો મસળીને ઉમેરો અને થોડું થોડું પાણી નાખીને મધ્યમ ઘટ્ટ ખીરું બનાવી લો.

કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે આખા મરચાંને આ ચણાના લોટના ખીરામાં ડુબાળીને તેલમાં હળવેથી નાખીને સોનેરી રંગના તળી લો અને એક થાળીમાં કાઢી લો.

તળેલા મરચાં ઠંડા થાય એટલે ચપ્પૂ વડે તેને 1 સેં.મીના ટુકડામાં ગોળ કટ કરી લો.

કટ કરેલાં મરચાંને ફરીથી તેલમાં ક્રિસ્પી તળી લો.

આ તળેલા ડિસ્કો મરચાં ભજીયાને પ્લેટમાં સર્વ કરી તેની ઉપર ચાટ મસાલો, ઝીણો સમારેલો કાંદો તેમજ કોથમીર ભભરાવીને પીરસો.