શ્રાવણ મહિનામાં વ્રત-ઉપવાસ માટે આ ફરાળી ઢોકળા ઈન્સ્ટન્ટ બની જાય છે.
સામગ્રીઃ બટેટા 2, સામો 1 કપ, સાબુદાણા ¼ કપ, ઈનો ફ્રુટ સોલ્ટ 1 પેકેટ, દહીં 1 કપ, તેલ, ધોઈને સમારેલી કોથમીર ½ કપ, આદુ-મરચાંની પેસ્ટ 1 ટી.સ્પૂન, 1 લીંબુનો રસ, કાળા મરી પાઉડર 1 ટી.સ્પૂન
વઘાર માટેઃ તેલ 1 ટી.સ્પૂન, જીરૂ 1 ટી.સ્પૂન, કળી પત્તાના પાન 4-5, સફેદ તલ 1 ટી.સ્પૂન
રીતઃ સામો તેમજ સાબુદાણાને મિક્સીમાં બારીક પીસીને પાઉડર કરી લો. તેમાં દહીં મેળવીને ઢાંકીને અડધા કલાક માટે મૂકી દો.
ઢોકળા બાફવાના વાસણમાં પાણી રેડીને કાંઠો મૂકીને ઢાંકીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો.
અડધા કલાક બાદ બટેટાને પણ મિક્સીમાં બારીક પીસીને ઉમેરી દો. સ્વાદ મુજબ સિંધવ મીઠું, સમારેલી કોથમીર, આદુ-મરચાંની પેસ્ટ, સમારેલી કોથમીર, લીંબુનો રસ ઉમેરી, ઉપરથી ઈનો પાઉડર નાખીને ચમચા વડે એકસરખું મિક્સ કરો. ખીરું થોડું ફુલી જાય એટલે તેમાંનું અડધું ખીરું તેલ લગાડેલી થાળીમાં મૂકીને ઢોકળા બાફવાના વાસણમાં ગોઠવીને ઢાંકી દો. આ થાળીને થતાં 15-20 મિનિટ લાગે છે. ત્યારબાદ ઢોકળાની બીજી થાળી પણ આ જ રીતે બાફવી.
ચપ્પૂ વડે ઢોકળા થયા છે કે નહીં તે ચેક કરીને થોડું વધારે બાફવાની જરૂર હોય તો વધું પાંચેક મિનિટ સુધી બાફીને થાળી ઉતારી લો. થાળી જરા ઠંડી થાય એટલે વઘારીયામાં તેલ ગરમ કરી, જીરૂનો, ત્યારબાદ કળીપત્તા, તલનો વઘાર કરીને આ વઘાર ઢોકળા ઉપર રેડી દો.
ઢોકળાના પીસ કરીને કોથમીર-મરચાં-શીંગદાણાની લીલી તીખી ચટણી સાથે પીરસો.





