ફરાળી પેટીસ

ના બટેટાનું પડ વણવાનું, કે ના તેમાં પૂરણ ભરવાનું, એવી તળ્યા વિનાની આ ફરાળી પેટીસ બહુ જ ઝડપથી બની જાય છે!

સામગ્રીઃ બાફેલા બટેટા 3, શેકેલા શીંગદાણાનો અધકચરો ભૂકો 1 કપ, લીલા મરચાં 4-5, આદુ ખમણેલું 1 ટે.સ્પૂન, સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું) સ્વાદ પ્રમાણે, શેલો ફ્રાય કરવા માટે તેલ અથવા ઘી, સફેદ તલ 1 ટે.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, સાકર 2-3 ચપટી, શિંગોડાનો લોટ 4 ટે.સ્પૂન, લવિંગ તેમજ તજનો પાઉડર 3 ચપટી,

રીતઃ બાફેલા બટેટાને એક મોટા બાઉલમાં ખમણી લેવા. તેમાં શીંગદાણાનો અધકચરો ભૂકો, સિંધવ મીઠું સ્વાદ મુજબ, ખમણેલું આદુ, સમારેલાં લીલા મરચાં, કોથમીર, લીંબુનો રસ, સાકર, શિંગોડાનો લોટ, સફેદ તલ, લવિંગ-તજનો પાઉડર મેળવીને તેના ગોળા વાળી લો.

અપ્પે પેનને ગેસ ઉપર ગરમ કરી લો. પેન ગરમ થયા બાદ ગેસની આંચ ધીમી કરી દો. અપ્પે પેનના દરેક ખાનામાં 2-2 ટીપાં તેલ ઉમેરીને દરેકમાં પેટીસ ગોઠવી દો. ધીમી આંચે ચમચી વડે ગોળા ફેરવતાં રહો. 3-4 મિનિટ બાદ 1-2 ટીપાં તેલ અથવા ઘી પેટીસ પર રેડી દો. લગભગ 5 મિનિટ બાદ પેટીસ થઈ ગયેલી લાગે તો તેને ઉતારી લો.

તૈયાર પેટીસ ફરાળી લીલી ચટણી સાથે પીરસો.