સામાનો ફરાળી હલવો પણ સ્વાદિષ્ટ બને છે!
સામગ્રીઃ સામો 1 કપ, દૂધ 3 કપ, ઘી 5 ટે.સ્પૂન, કાજુ-બદામના ટુકડા ½ કપ, એલચી પાઉડર ¼ ટી.સ્પૂન, ખાંડ ½ કપ, કિસમિસ 1 ટે.સ્પૂન, સૂકા નાળિયેરની કાતરી 2 ટે.સ્પૂન
રીતઃ સામાને મિક્સીમાં દરદરો દળી લો. એક બાઉલમાં તેને લઈને તેમાં દૂધ ઉમેરીને ઢાંકીને અડધો કલાક માટે રાખી મૂકો. સામો દળવો ના હોય તો ધોઈને આખો સામો દૂધમાં પલાળી શકાય છે.
એક કઢાઈમાં 4 ટે.સ્પૂન ઘી ગરમ કરીને તેમાં ડ્રાય ફ્રુટના ટુકડા સાંતળીને કાઢી લો. કિસમિસ તેમજ નાળિયેરની કાતરી ઉમેરીને એકાદ મિનિટ બાદ તરત કાઢી લો.
હવે ઘીમાં ખાંડ ઉમેરીને ગેસની મધ્યમ આંચે ખાંડ ઓગળવા દો. ખાંડ ઓગળીને ચોકલેટી રંગના થવા આવે એટલે તરત ગેસ બંધ કરી દો. અને તેમાં દૂધમાં પલાળેલો સામો તેમજ દૂધ તેમાં મેળવી દો.
હવે ગેસ ચાલૂ કરીને આંચ ધીમી કરી દો. ચમચા વડે આ મિશ્રણ ચારવીને એકરસ કરી દો. હવે કઢાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની ધીમી આંચે સામો ચઢવા દો. 6-7 મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચમચા વડે ચારવીને ઢાંકી દો. 2-2 મિનિટે ઢાંકણ ખોલીને ચમચા વડે ચારવતા રહેવું. મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે તેમાં ડ્રાય ફ્રુટના ટુકડા, એલચી પાઉડર, કિસમિસ તેમજ નાળિયેરની કાતરી ઉમેરીને ફરીથી ઢાંકીને થવા દો. બાકી રહેલું 1 ટે.સ્પૂન ઘી મેળવીને એકાદ મિનિટ બાદ ગેસ બંધ કરીને ઢાંકીને થોડીવાર રહેવા દીધા બાદ ફરાળી હલવો ખાવાના ઉપયોગમાં લો.





