જલેબી જેવો જ એક પ્રકાર ઈમરતી, એ ભારતીય પારંપરિક મીઠાઈ છે. જે અડદની દાળમાંથી બને છે અને ઘણી જ પૌષ્ટિક છે. તે ઘરે પણ સહેલાઈથી બનાવી શકાય છે!
સામગ્રીઃ અડદની દાળ 1½ કપ, બેકીંગ સોડા 2 ચપટી અથવા ઈનો પાઉડર (¼ ટી.સ્પૂન), કોર્નફ્લોર 3 ટે.સ્પૂન, તેલ અથવા ઘી તળવા માટે, ખાવાનો કેસરી રંગ 2 ચપટી, પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન
ચાસણી માટેઃ સાકર 2 કપ, પાણી ½ કપ, એલચી પાઉડર ½ ટી.સ્પૂન અથવા ગુલાબજળના ટીપાં 7-8, દૂધ 2 ટી.સ્પૂન,
રીતઃ અડદની દાળને 2-3 પાણીએથી ધોઈ લો. તેમાં ચોખ્ખું પાણી ઉમેરીને 3-4 કલાક માટે પલળવા દો. ત્યારબાદ પાણી નિતારીને મિક્સીમાં દાળ નાખીને 1-2 ચમચી જેટલું પાણી મેળવીને એકદમ બારીક લીસી પીસી લો.
આ મિશ્રણને એક તાસ અથવા પહોળી મોટી થાળીમાં કાઢી લો. હવે તેમાં 2 ચપટી કેસરી ખાવાનો રંગ, કોર્નફ્લોર 2-3 ટે.સ્પૂન મેળવીને હાથેથી 10 મિનિટ સુધી ગોળ ગોળ ફેંટો. ત્યારબાદ એક દૂધની જાડી પ્લાસ્ટીકની થેલીમાં આ મિશ્રણ ભરીને કોનનો આકાર આપીને ઉપરનો છેડો રબર વડે સરખો બંધ કરી લો. અને નીચેથી થેલીની કોર્નરને કાતર વડે બારીક કટ કરી લો.(મહેંદીનો કોન બનાવીએ તે રીતે) એકવાર તેમાંથી મિશ્રણ થાળીમાં પાડીને સરખું જોઈ લેવું. આ મિશ્રણ થોડીવાર માટે ઢાંકીને ચાસણી તૈયાર કરી લેવી.
એક તપેલીમાં ½ કપ પાણી ઉમેરીને તેમાં સાકર મેળવી દો અને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. સાકર ઓગળે અને પાણી ઉકળવા લાગે એટલે 2 ચમચી દૂધ ઉમેરીને 1-2 મિનિટ બાદ પાણી ઉપર ફીણ તરવા લાગે, તે ઝારાની મદદ વડે બહાર કાઢીને ફેંકી દો. એટલે ચાસણીમાંની અશુદ્ધી દૂર થઈ જશે.
ચાસણીને એક તારવાળી બનાવવી. ચાસણી ઘટ્ટ થવા આવે એટલે એક ચમચી વડે ચાસણીનું એક ટીપું એક સ્ટીલની પ્લેટમાં પાડીને તેને હાથની બે આંગળી વડે તપાસી લેવું. જો એમાંથી એક તાર બનતો હોય તો ચાસણીમાં એલચી પાઉડર મેળવીને ગેસ બંધ કરી દો.
એક કઢાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકો. તે ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લેવી.
ઈમરતીનો આકાર આપવા માટે પહેલાં બંગડી આકારનો ગોળાકાર એક ઉપર એક એમ 2-3 બનાવીને એ ગોળાકારની ફરતે વીંટી જેવા ગોળ આકાર એકબીજાને જોડતાં જઈને ફુલનો આકાર બનાવતા જાવ.
આ ઈમરતી પાડવા માટે એક હાથ વડે ઝારાને પકડીને, કઢાઈમાં ઝારો તેલમાં થોડો ડૂબતો રાખીને તેની ઉપર બીજા હાથની મદદ વડે અડદની દાળવાળી (ઈમરતીના મિશ્રણવાળી) થેલી પકડીને, ઈમરતીનો આકાર આપો અને તેલમાં ઝારાની મદદથી તેને છોડી દો. આ આખી પ્રક્રિયા હળવેથી, સાચવીને કરવી.
આ જ રીતે કઢાઈમાં આવે તેટલી ઈમરતી પાડીને ગેસની મધ્યમ આંચે તળી લઈ, ઝારા વડે બહાર કાઢી લેવી.
ચાસણી થોડી ઠંડી થાય એટલે કે, મધ્યમ ગરમ હોય તે વખતે તળેલી ઈમરતી તેમાં મેળવીને 2-3 મિનિટ બાદ તેને બહાર ટ્રે અથવા પ્લેટમાં કાઢી લેવી. ઈમરતીની ઉપર પિસ્તાની કાતરી ભભરાવીને એક ડબ્બામાં ભરી લેવી.
ઈમરતી 3-4 દિવસ સુધી સારી રહે છે.







