ઈન્સ્ટન્ટ બટેટા કચોરી

વણવા કે ભરવાની ઝંઝટ વગર બહુ જ સહેલાઈથી અને ઓછી મહેનતે બની જાય છે, ઘઉંના લોટ અને બટેટાની ક્રિસ્પી ઈન્સ્ટન્ટ કચોરી!

સામગ્રીઃ જીરૂ ¼ ટી.સ્પૂન, આખા ધાણા ¼ ટી.સ્પૂન, અજમો ¼ ટી.સ્પૂન, વરિયાળી ¼ ટી.સ્પૂન, મેથીના દાણા ¼ ટી.સ્પૂન, કાળા મરી 7-8 નંગ, આદુનો ટુકડો 1 ઈંચ, લસણની કળી 6-7, લીલા મરચાં 3-4, ઘઉંનો લોટ 1 કપ, તેલ તળવા માટે, કાંદો 1, કાશ્મીરી મરચાં પાઉડર ½ ટી.સ્પૂન, ગરમ મસાલો ½ ટી.સ્પૂન,, સ્વાદ મુજબ મીઠું, બાફેલા બટેટા 3, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, ફુદીનાના પાન ધોઈને સમારેલા 2 ટે.સ્પૂન, સફેદ તલ 2 ટે.સ્પૂન

રીતઃ જીરૂ, આખા ધાણા, અજમો, વરિયાળી, મેથીના દાણા, કાળા મરીને અધકચરા વાટી લો.

આદુ-મરચાં તેમજ લસણને પણ અધકચરા વાટી લો. કાંદો ઝીણો સમારી લો.

એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, વરિયાળીનો ભૂકો એકાદ મિનિટ શેકી લો. ત્યારબાદ આદુ-લસણ-મરચાંની પેસ્ટને સાંતળીને કાંદો પણ તેમાં સાંતળી લો. હવે તેમાં ગરમ મસાલો, મરચાં પાઉડર તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરો. બાફેલા બટેટાને ખમણીને મેળવીને સાથે સફેદ તલ, સમારેલી કોથમીર તેમજ સમારેલાં ફુદીનાના પાન મેળવી દો. હવે તેમાં અડધો કપ પાણી મેળવીને ચમચા વડે બધી સામગ્રી એકસરખી મેળવીને ગેસની આંચ ધીમી કરી દો. હવે તેમાં ઘઉંનો લોટ ચમચા વડે સરખો મેળવી દો અને 2-3 મિનિટ સુધી પેન ઢાંકીને લોટને સરખો ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને આ લોટનું મિશ્રણ ઠંડું થવા દો.

લોટ ઠંડો થાય એટલે થોડું તેલનું મોણ દઈને લોટને કુણી લો. હાથને તેલવાળા કરીને આ લોટમાંથી લીંબુની સાઈઝના ગોળા લઈ તેને ગોળ અથવા ચપટો આકાર આપીને એક પ્લેટમાં ગોઠવી દો. બધા ગોળા વાળી લો એટલે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને તેમાં આવે તેટલા ગોળા ઉમેરીને સોનેરી રંગના તળી લો.

તૈયાર સમોસા કચોરીને ટોમેટો કેચ-અપ કે લીલી ચટણી સાથે પીરસો.