ઈન્સ્ટન્ટ બટેટા વડા

આ ઈન્સ્ટન્ટ બટેટા વડા માટે બટેટા બાફવાની પણ જરૂર નથી. ફક્ત બટેટાને ખમણીને મસાલો તૈયાર કરીને વડા તૈયાર થઈ જાય છે!

સામગ્રીઃ

  • મોટા બટેટા 2
  • હળદર 2 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • વરિયાળી 1 ટી.સ્પૂન
  • તીખું લીલું મરચું 1
  • કાજુના ટુકડા 8-10
  • કિસમિસ 6-7,
  • ખાંડ ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 2 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
  • કોર્નફ્લોર 3 ટે.સ્પૂન
  • તળવા માટે તેલ
  • સમારેલી કોથમીર 1 કપ

રીતઃ બટેટાને છોલીને છીણી લો. આ છીણને એક પાણીએથી ધોઈને ફરીથી એક બાઉલમાં પાણી લઈ તેમાં નાખી રાખો. 10 મિનિટ બાદ છીણમાંથી પાણી નિતારી લઈ એક વાસણમાં લો.

આ છીણમાં આદુ છીણીને લો. તેમજ લીલું મરચું અધકચરું વાટીને લો. ત્યારબાદ તેમાં 2 ચપટી હળદર, લાલ મરચાં પાઉડર, વરિયાળી, ગરમ મસાલો, કાળા મરી પાઉડર, કાજુના ટુકડા, કિસમિસ, સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું મેળવી હાથેથી મેળવી લો. ત્યારબાદ તેમાં ચોખાનો લોટ મેળવી દો અને હવે તેમાં કોર્નફ્લોર મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈ તેનો ગોળો વાળી જુઓ. જો ગોળો વળે અને તેને ચપટો કરતી વખતે પણ તે છૂટો ના પડે તો. આ મિશ્રણમાંથી બટેટા વડા માટેના ગોળા વાળી લો.

એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી-મધ્યમ કરીને વડા તળી લો. સહુ પહેલાં એક વડું તેલમાં તળી જોવું. જો તે છૂટું પડતું હોય તો તેમાં થોડો કોર્નફ્લોર વધુ ઉમેરીને ગોળા વાળવા.

વડા તળતી વખતે ઝારા વડે વડાને થોડી થોડી વારે હળવેથી ફેરવતા રહેવું. જેથી તે અંદરથી કાચાં ન રહે. વડા સોનેરી રંગના તળી લઈ, ઝારામાં લઈ, સરખું તેલ નિતરે એટલે એક પ્લેટમાં કાઢી લો.

તૈયાર વડા લીલી ચટણી સાથે પીરસો.