થોડા ટ્વિસ્ટ સાથે બની જાય, જુવારના લોટની ગ્લુટન ફ્રી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વેજ કટલેટ!
સામગ્રીઃ જુવારનો લોટ 1½ વાટકી, કાંદા 2, લીલા મરચાં 3, સિમલા મરચું 1, ગાજર 1, મકાઈના દાણા 2 ટે.સ્પૂન, પિઝા સિઝનિંગ 1 ટી.સ્પૂન, રેડ ચિલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન, કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો 1 ટી.સ્પૂન, તેલ 1 ટે.સ્પૂન, ચીઝ ક્યુબ 1, પનીર અડધો કપ, ઘઉંના લોટની કાચી સેવ અથવા બ્રેડ ક્રમ્સ 2 કપ, બાફેલા બટેટા 2, ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
રીતઃ કાંદા, સિમલા મરચું, ગાજરને ઝીણાં ચોરસ સમારી લો. લીલા મરચાં ઝીણાં સમારી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં કાંદો, સિમલા મરચું, ગાજર, મકાઈના દાણા મેળવીને 2-3 મિનિટ માટે સાંતળી લો. ત્યારબાદ તેમાં પિઝા સિઝનિંગ, રેડ ચિલી ફ્લેક્સ, કાળા મરી પાઉડર, ચાટ મસાલો તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. ત્યારબાદ સમારેલી કોથમીર અને લીલા મરચાં સમારીને ઉમેરી દો. એકાદ મિનિટ બાદ તેમાં 1 વાટકી પાણી ઉમેરીને તે ઉકળે એટલે તેમાં 1 વાટકી જુવારનો લોટ મેળવીને ચમચા વડે ચારવતા રહો. જો પાણી ઓછું લાગે તો થોડું પાણી ઉમેરવું. આ મિશ્રણ લોટ જેવું બંધાય એટલે ગેસ બંધ કરીને તૈયાર થયેલા લોટને એક થાળીમાં કાઢી લો. લોટ થોડો ઠંડો થાય એટલે તેમાં એક ચીઝ ક્યુબ, પનીર તેમજ બાફેલા બટેટાને ખમણીને તેમાં મેળવી દો. આ લોટની ચપટી ગોળ કે ચોરસ આકારની કટલેટ વાળી લો.
ઘઉંના લોટની સેવના ટુકડા કરીને એક થાળીમાં લઈ લો.
½ વાટકી જુવારનો લોટ એક બાઉલમાં લઈ તેમાં પાણી મેળવીને સહેજ જાડી સ્લરી બનાવી લો. જુવાર કટલેટને આ સ્લરીમાં ડુબાડીને સેવમાં અથવા બ્રેડ ક્રમ્સમાં રગદોળીને એક થાળીમાં ગોઠવી લો. બધી કટલેટ તૈયાર થાય એટલે કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં જુવારની કટલેટ તળી લો. ગેસની આંચ તેજ-મધ્યમ રાખવી.
જુવાર વેજ કટલેટ લીલી ચટણી કે ટોમેટો કેચ-અપ સાથે પીરસો.





