જુવારના ઢોકળા

જુવારના લોટના પણ ઢોકળા બની શકે છે!

સામગ્રીઃ

  • જુવારનો લોટ 1 કપ
  • રવો ½ કપ
  • દહીં ¾ કપ
  • આદુ મરચાં પેસ્ટ 1 ટે.સ્પૂન
  • ઈનો પાઉડર 1 ટી.સ્પૂન
  • તેલ
  • મરચાં પાઉડર અથવા કાળા મરી પાઉડર 1 ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • લીલા મરચાં 2
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન

રીતઃ જુવારના લોટમાં રવો તેમજ દહીં મેળવીને થોડું થોડું પાણી ઉમેરતાં જઈ ખીરું બનાવી લો. ઢાંકીને 15 મિનિટ માટે રાખી મૂકો.

ઢોકળા બનાવવાના વાસણમાં કાંઠો મૂકીને પાણી ગરમ કરવા મૂકો.

એક થાળીમાં તેલ લગાડી રાખો.

15 મિનિટ બાદ ખીરામાં ઈનો નાખી તેની ઉપર 1 ચમચી પાણી રેડીને ચમચા વડે ખીરું હલાવીને તેલ લગાડેલી થાળીમાં રેડીને ઢોકળા બાફવાના વાસણમાં ગોઠવી દો. ઢોકળાની થાળી ઉપર મરચાં પાઉડર અથવા મરી પાઉડર ભભરાવી દો. 20 મિનિટ બાદ ઢોકળા થયા છે કે નહીં તે ચપ્પૂની મદદથી ચેક કરી લો અને ગેસ બંધ કરી દો.

એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી મરચાંના લાંબા ટુકડા કરી વઘારી દો. ગેસ બંધ કરીને તેમાં તલ ઉમેરીને તરત એક નાનું ઢાંકણ ઢાંકી દો. જેથી તલ ઉડે નહીં. આ વઘાર ઢોકળાની થાળી ઉપર રેડીને તવેથા વડે આખી થાળીમાં ફેલાવી દો. ઢોકળાના ચોસલા કરીને ચટણી સાથે પીરસો.