કોઈકવાર જમવામાં બધી રસોઈને બદલે ફક્ત જુવાર ઢોકળી બનાવી શકાય. જે ગ્લુટેન ફ્રી પણ છે.
સામગ્રીઃ રાઈ ½ ટી.સ્પૂન, જીરુ ½ ટી.સ્પૂન, લીલા મરચાં 2, લસણની કળી 7-8, કળી પત્તાના પાન 6-7, ચણાનો લોટ 1 ટી.સ્પૂન, લીંબુનો રસ 1 ટી.સ્પૂન, ગોળ 2 ટે.સ્પૂન, પાલકના પાન ધોઈને સમારેલાં 1 કપ, કોથમીર ધોઈને સમારેલી ½ કપ,
જુવાર ઢોકળી માટેઃ જુવારનો લોટ ½ કપ, કસૂરી મેથી 1 ટી.સ્પૂન, સફેદ તલ 1 ટે.સ્પૂન, તેલ 1 ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું
રીતઃ ઢોકળી માટે જુવારનો લોટ તાસમાં લઈ તેમાં કસૂરી મેથી, સફેદ તલ, તેલ, સ્વાદ મુજબ મીઠું મેળવીને થોડું થોડું પાણી મેળવીને કઠણ લોટ બાંધી લો. તેમાંથી નાની ગોટી વાળીને તેને ચપટો આકાર આપીને ઢોકળી બનાવી રાખો.
લીલા મરચાં તેમજ લસણને ઝીણાં સમારી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ તેમજ જીરૂનો વઘાર કરી લો. હવે તેમાં સમારેલાં મરચાં અને લસણ ઉમેરીને 2-3 મિનિટ સાંતળીને કળીપત્તાના પાન ઉમેરી દો અને 1½ થી 2 કપ પાણી ઉમેરી દો. સાથે ધાણાજીરૂ, મરચું પાઉડર, હળદર મેળવી દો.
પાણી ઉકળવા આવે એટલે પાલકના સમારેલાં પાન, લીંબુનો રસ અને ગોળ મેળવીને 2-3 મિનિટ ઉકળે એટલે જુવારની ઢોકળી ઉમેરીને ઢાંકણ ઢાંકીને ગેસની ધીમી મધ્યમ આંચે ઢોકળી થવા દો. 4-5 મિનિટ બાદ એકવાર ઢોકળી તપાસી લો. ઢોકળી ચઢી જાય એટલે ગેસ બંધ કરીને, કોથમીર ભભરાવીને ગરમાગરમ ઢોકળી પીરસો.







