જુવાર દૂધી ઈન્સ્ટન્ટ હાંડવો

વરસાદની ઋતુમાં ક્યારેક વરસાદ ના હોય ત્યારે અનુભવાતી સખત ગરમીમાં શરીરને ઠંડક આપે તેવો જુવારના લોટ અને દૂધીનો ઈન્સ્ટન્ટ હાંડવો પચવામાં હળવો છે.

સામગ્રીઃ દૂધી 200 ગ્રામ, જુવારનો લોટ 1 કપ, દહીં ½ કપ, આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન, લીંબુનો રસ 1 ટી.સ્પૂન, ઈનો પાઉડર 1 ટી.સ્પૂન, સફેદ તલ 1 ટી.સ્પૂન,

વઘાર માટેઃ સફેદ તલ 1 ટી.સ્પૂન, રાઈ ½ ટી.સ્પૂન, તેલ 1 ટી.સ્પૂન

રીતઃ દૂધીને ખમણીને એક બાઉલમાં કાઢી લો. તેમાં જુવારનો લોટ, આદુ-મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, સફેદ તલ મેળવીને થોડું થોડું પાણી ઉમેરતાં જઈ ખીરું ઘટ્ટ રહે તેવું બનાવો. ત્યારબાદ તેમાં બેકીંગ સોડા પણ મેળવી દો. હાંડવો મૂકતી વખતે આ ખીરામાં ઈનો પાઉડર નાખીને ઉપર લીંબુનો રસ નિચોવીને ચમચા વડે સરખું મિક્સ કરી લો.

એક કાણાવાળાં છીબાંમાં તેલ લગાડી લો. આ છીબું જે તપેલી કે વાસણ ઉપર આવી જાય એને ઢાંકી શકાય તેવું વાસણ લઈ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળવા આવે એટલે તેલ લગાડેલું છીબું તપેલી ઉપર મૂકીને એક કળછી વડે ખીરું પૂડલાની જેમ પાથરો. પણ પૂડલા કરતાં સહેજ જાડું રાખવું. હવે છીબાંને ઢાંકણ વડે ઢાંકી દો.

4-5 મિનિટ બાદ ઢાંકણ ખોલીને આ હાંડવો તવેથાની મદદથી એક થાળીમાં કાઢી લો. ફરીથી છીબાંમાં તેલ લગાડીને બીજો હાંડવો તૈયાર કરી લો. બાકી રહેલાં ખીરામાંથી હાંડવો તૈયાર કરી લીધા બાદ એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરીને તલ ઉમેરીને દરેક હાંડવા ઉપર ચમચી વડે રેડી દો.

આ ઈન્સ્ટન્ટ હાંડવો ગરમાગરમ જ સારો લાગશે. તેને લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.