કંદી પેંડા મોદક

મોંઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવા સોફ્ટ, પણ સ્વાદ ના ભૂલાય તેવા કંદી પેંડા મોદક ગણબપતિ બાપ્પાને પ્રસાદ ધરાવવા માટે બનાવવા બહુ જ સહેલા છે!

સામગ્રીઃ દૂધ 2 લિટર અથવા દૂધનો તૈયાર મોળો માવો અડધો કિલો, સાકર ½ કપ, એલચી પાઉડર 1 થી 1½ ટી.સ્પૂન

રીતઃ એક જાડા તળિયાવાળી કઢાઈમાં દૂધ ઉકળવા મૂકો. દૂધ ઉકળે એટલે ગેસની આંચ ધીમી-મધ્યમ કરીને એક ઝારા વડે દૂધને સતત ચારવતા રહીને તેને ઘટ્ટ થવા દો. દૂધનું પ્રમાણ ઘટ્ટ થઈને પા ભાગનું રહી જાય એટલે તેમાં સાકર મેળવીને સતત ચારવતા રહો. ધીરે ધીરે દૂધ ઘટ્ટ થઈને માવો બની જશે. એટલે તેમાં એલચી પાઉડર મેળવી દો. આ મિશ્રણ ગોળા વાળી શકાય તેવું બને એટલે ગેસની આંચ બંધ કરીને 1-2 મિનિટ ચમચા વડે ચારવતા રહો. ત્યારબાદ મિશ્રણ એક બીજા વાસણ કે થાળીમાં કાઢી લો.

દૂધને બદલે માવો વાપરવો હોય તો કઢાઈમાં તેને 2-3 મિનિટ ગરમ કર્યા બાદ સાકર ઉમેરીને તે સહેજ નરમ થઈને ગોળો વળી શકે તેવું થાય એટલે એલચી પાઉડર મેળવીને ગેસ બંધ કરીને આ મિશ્રણ એક થાળીમાં ઠંડું થયા બાદ તેના મોદક બનાવવા.

મિશ્રણ ઠંડું થાય એટલે તેના ગોળા વાળીને પેંડા બનાવો અથવા મોદકનું મોલ્ડ હોય તો તેના વડે મોદક બનાવી લો.