લાહા લાડુ

જૂના પારંપરિક રીતથી બનાવવામાં આવતા ચણાના લોટના લાહા કે લીસા લાડુ, આપણી દાદી-નાનીના સમયથી તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે.

સામગ્રીઃ ચણાનો લોટ 2 કપ, ઘી 2 ટી.સ્પૂન,તેલ તળવા માટે, સાકર 1 કપ, એલચી પાઉડર 1 ટી.સ્પૂન

રીતઃ ચણાના લોટમાં 2 ચમચી ઘીનું મોણ દઈને થોડું થોડું પાણી ઉમેરતાં જઈને સહેજ કઠણ લોટ બાંધી દો.

 

ત્યારબાદ તેમાંથી લૂવા લઈને હાથની 4 આંગળીઓ અને અંગૂઠાની વચ્ચે હળવેથી લૂવો પ્રેશ કરીને ચપટા પણ સહેજ પોલા મુઠીયા તૈયાર કરી લો.

ગેસની આંચ પર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ ગરમ થાય એટલે લોટમાંથી એક નાની ગોળી તેલમાં ઉમેરો. જો તેમાં બબલ આવે તો મુઠીયા આવે તેટલા ઉમેરીને ગેસની મધ્યમ આંચે સોનેરી રંગના તળાવા દો. તેલ વધુ ગરમ ના હોવું જોઈએ. નહીંતર મુઠીયા અંદરથી કાચાં રહી શકે છે.

બધાં મુઠીયા આ જ રીતે ગુલાબી સોનેરી રંગના તળી લો.

મુઠીયા ઠંડા થાય એટલે તેના ટુકડા કરીને મિક્સીમાં પાઉડર કરી લો. આ ભૂકો સ્ટીલની ચાળણીમાં ચાળી લો.

એક તપેલીમાં સાકર લઈ, સાકર ડૂબે તેટલું પાણી ઉમેરીને ધીમા ગેસ ઉપર તપેલી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે ત્યારથી ચમચા વડે ચાસણી ચારવતા રહો. ચાસણી જેવી એક તારની થાય એટલે ગેસ ધીમો કરી દો અને તેમાં લાડવા માટે બનાવેલો ચણાના લોટમાંથી પાઉડર તેમજ એલચી પાઉડર મેળવી લો. એકાદ મિનિટ બાદ તેમાં 2 ચમચી ઘી મેળવો. ફરીથી ચારવીને થોડીવાર પછી બીજું 2 ચમચી ઘી મેળવીને ચમચા વડે ચારવતાં રહો. મિશ્રણ થોડું ઘટ્ટ થવા આવે એટલે ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો. અને તેમાંથી લાડુ બનાવી લો.