મારવાડી પિઠલા સબ્જી

ગરમીના દિવસોમાં લૂ ન લાગે તે માટે રાજસ્થાનમાં વધુ કાંદાનો ઉપયોગ કરીને બેસન સાથે સબ્જી બનાવવામાં આવે છે. જેને પિઠલા પણ કહેવામાં આવે છે.

સામગ્રીઃ કાંદા 4 નંગ, ચણાનો લોટ 1 કપ, આદુનો ટુકડો 1 ઈંચ, લીલા મરચાં 3, તેલ 3 ટે.સ્પૂન, રાઈ ¼ ટી.સ્પૂન, જીરૂ ¼ ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, સમારેલી કોથમીર ½ કપ,

રીતઃ ચણાના લોટને ચાળણીમાં ચાળીને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં લોટના ગઠ્ઠા ના રહે તે રીતે એક કપ પાણી મેળવી દો.

કાંદાને લાંબી અને સહેજ જાડી સ્લાઈસમાં સુધારી લો. (લીલા કાંદા તેમજ તેના પાન પણ ઉપયોગમાં લઈ શકાય)

એક કઢાઈ અથવા પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં રાઈ તેમજ જીરૂનો વઘાર કરી હીંગનો વઘાર કરો. હવે તેમાં લીલા મરચાં સમારેલાં ઉમેરીને 2-3 મિનિટ સાંતળો. ત્યારબાદ આદુને ખમણને મેળવો. આદુ સાંતળી લીધા બાદ કાંદાની સ્લાઈસ ઉમેરીને સાંતળો. કાંદા સોનેરી રંગના સાંતળી લીધા બાદ તેમાં મસાલા ઉમેરી દો. લાલ મરચું, ધાણાજીરૂ, હળદર મેળવીને 2 મિનિટ બાદ ચણાના લોટવાળું પાણી તેમાં મેળવી દો. હવે ચમચા વડે આ મિશ્રણ સતત ચારવતા રહો. ગેસની આંચ ધીમી રાખવી.

મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે કઢાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની ધીમી આંચે 4 મિનિટ થવા દો. 4 મિનિટ બાદ ફરીથી કઢાઈ ખોલીને ચમચા વડે મિશ્રણ હલાવીને ફરીથી ઢાંકીને 4-5 મિનિટ થવા દો. ત્યારબાદ તેની ઉપર સમારેલી કોથમીર ભભરાવી દો.

તૈયાર શાક રોટલી કે પરાઠા સાથે પીરસો.