મગની દાળની ઈડલી સ્વાદિષ્ટ તો બને છે. પણ સાથે ટામેટાંની ચટણી તેનો સ્વાદ વધારે છે.

સામગ્રીઃ
- મગની દાળ 1 કપ
- રવો ½ કપ
- દહીં ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
- ઈનો ફ્રુટ સોલ્ટ 1 ટી.સ્પૂન
- લીલા મરચાં 2-3
- આદુનો ટુકડો 1 ઈંચ
- કોથમીર સમારેલી ½ કપ
- બાફેલાં વટાણા ½ કપ (તમે બાફેલાં સ્વીટ કોર્ન પણ ઉમેરી શકો)
- ગાજર 1
- રાઈ 1 ટી.સ્પૂન
- તેલ વઘાર માટે 2 ટે.સ્પૂન
ટામેટાંની ચટણી માટેઃ
- ટામેટાં 4,
- દાળિયા ¼ કપ
- લીલા મરચાં 2
- સૂકા લાલ મરચાં 3
- ચણાની દાળ 1 ટી.સ્પૂન
- અળદની દાળ 1 ટી.સ્પૂન
- રાઈ 1 ટી.સ્પૂન
- તેલ વઘાર માટે 1 ટે.સ્પૂન
- લસણની કળી 4-5
- આદુનો ટુકડો 1 ઈંચ
- સ્વાદ મુજબ મીઠું
રીતઃ મગની દાળને ધોઈને 4 કલાક માટે પલાળી લીધા બાદ તેમાંનું પાણી નિતારી મિક્સીમાં દાળ, રવો, દહીં તેમજ લીલા મરચાં, આદુના ટુકડા મેળવીને કરકરું ખીરું પીસી લો. તેમાં સમારેલી કોથમીર, બાફેલાં વટાણા તેમજ ગાજર ઝીણું સમારીને ઉમેરી દો.
ટામેટાંની ચટણી માટે પેનમાં વઘાર માટેનું તેલ ગરમ કરી તેમાં રાઈ વઘારીને ચણાદાળ તેમજ અળદ દાળને શેકી લો. ત્યારબાદ તેમાં લાલ મરચાં વઘારીને તેમાં ટામેટાંના ટુકડા કરીને થોડીવાર સાંતળી લીધા બાદ ગેસ બંધ કરી દો. ટામેટાં ઠંડા થાય એટલે તેને મિક્સીમાં નાખીને લીલા મરચાં તેમજ આદુ, લસણ અને દાળિયા મેળવીને બારીક ચટણી પીસી લો.
ઈડલી બનાવતી વખતે તેમાં ઈનો ફ્રુટ સોલ્ટ મેળવીને ઈડલીના વાસણમાં ઈડલીનું ખીરું રેડીને વાસણ ઢાંકીને ઈડલીને ગેસની મધ્યમ આંચે 10-15 મિનિટ માટે થવા દો. ત્યારબાદ ઈડલી થોડી ઠંડી થાય એટલે ઈડલી મોલ્ડમાંથી કાઢી લો. એક પેનમાં તેલ વઘાર માટે ગરમ કરી રાઈનો વઘાર કરીને ઈડલી તેમાં મેળવી લો.
ગરમાગરમ ઈડલી ટામેટાંની ચટણી સાથે પીરસો.





