રોજ નિતનવીન વાનગીમાં પાણીપુરી ઢોકળાની અલગ સ્વાદવાળી આ વાનગી બાળકોમાં પ્રિય બની રહેશે!
સામગ્રીઃ ચોખા 1 કપ, ચણાની દાળ ½ કપ, અળદની દાળ ½ કપ, ઈનો પાઉડર 1 ટે.સ્પૂન, દહીં 1 કપ, લીલી તીખી ચટણી (પાણીપુરી માટેની), ખજૂર-ગોળની ગળી ચટણી, ચણાના લોટની સેવ 2 ટે.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
પાણીપુરીના ટેસ્ટવાળી લીલી તીખી ચટણીઃ ધોયેલા ફુદીનાના પાન 2 કપ, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન, કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન, સંચળ ¼ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ 1 ટે.સ્પૂન
રીતઃ ચોખા તેમજ બંને દાળને 2-3 પાણીએથી ધોઈને પાણીમાં 4 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સીમાં સ્વાદ મુજબ મીઠું તેમજ દહીં મેળવીને બારીક પીસી લો. આ ખીરું આથો લાવવા માટે 7-8 કલાક ઢાંકીને રાખી મૂકો.
હવે પાણીપુરી સ્વાદવાળી ચટણી માટે મિક્સીમાં કોથમીર તેમજ ફુદીનાના પાન, આદુ-મરચાંની પેસ્ટ, કાળા મરી પાઉડર, સંચળ, લીંબુનો રસ તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને તેમાં 2-3 ટુકડા બરફના ઉમેરીને ચટણી પીસી લેવી.
8 કલાક બાદ ઢોકળા બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો તેમાં સ્ટેન્ડ મૂકીને એક થાળી તેલ લગાડીને ગોઠવી દો.
હવે ખીરામાં ઈનો પાઉડર ઉમેરીને તેની ઉપર 1 ચમચી પાણી રેડીને ચમચા વડે 1 મિનિટ માટે ફીણી લો અને તેમાંથી અડધું ખીરું થાળીમાં પાથરીને વાસણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દો. હવે ઢાંકણ ખોલીને પાણીપુરીના સ્વાદવાળી લીલી ચટણી એક ચમચી વડે ઢોકળાની થાળીમાં ઢોકળા ઉપર લગાડીને વાસણ ઢાંકીને ફરીથી 5 મિનિટ થવા દો. ત્યારબાદ ફરીથી ચટણી જામી ગઈ હોય તો તેની ઉપર ઢોકળાનું બાકી રાખેલું ખીરું પાથરી દો અને વાસણ ઢાંકીને 10 મિનિટ ઢોકળા બફાવા દો.
બીજી રીત પ્રમાણે ઢોકળાના ખીરામાં જ લીલી ચટણી ભેળવી દો અને લીલાછમ્મ પાણીપુરી ઢોકળા તૈયાર કરી દો.
ઢોકળાની થાળી બહાર કાઢી લો અને જરા ઠંડી થાય એટલે તેની ઉપર ખજૂરની ગળી ચટણી લગાડીને ચણાના લોટની સેવ તેમજ સમારેલી કોથમીર ભભરાવીને ઢોકળાના પીસ કરીને લીલી તીખી ચટણી સાથે પીરસો.







