મૂળાની ચટણી

શિયાળામાં મળતાં સૌથી પૌષ્ટિક મૂળા કે મૂળાની ભાજી મોટે ભાગે કોઈને નથી ભાવતી, પણ તેમાંથી બનતી ચટપટી ચટણી સહુ કોઈ ખાશે!

સામગ્રીઃ મૂળાની ભાજી 2 નંગ, સરસોંનું તેલ (અથવા શીંગ તેલ)4 ટે.સ્પૂન, ટામેટાં 2-3 નંગ, જીરૂ 1 ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, લસણની કળી 10-15, લીલા મરચાં 4, કાંદા 2, લીંબુનો રસ 1 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન

રીતઃ મૂળાને તેના પાન સહિત મોટા વાસણમાં પાણી લઈ 3-4 પાણીએથી સરખાં ધોઈ લેવા.

મૂળાને પાનથી અલગ કરીને નાના ટુકડામાં સમારી લેવા અને તેને ચોપરમાં બારીક ક્રશ કરી લેવા.

મૂળાના પાનને પણ મોટા સમારીને ચોપરમાં બારીક ક્રશ કરી લેવા.

એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરા તેમજ હીંગનો વઘાર કરી લો. ટામેટાંને ધોઈને 2 ટુકડામાં કટ કરી ટામેટાંના ટુકડા તેલમાં સાંતળવા માટે ઉંધા મૂકો છાલવાળો ભાગ ઉપર હોવો જોઈએ. તેની સાથે લસણની કળી છોલીને તેલમાં મૂકી દો. કાંદાની લાંબી પાતળી ચીરી કરીને તેલમાં સાંતળવા માટે નાખી દો. લીલા મરચાંના ટુકડા કરીને મૂકો. આ પેન ઢાંકીને ગેસની ધીમી આંચે 3-4 મિનિટ થવા દો.

ત્યારબાદ ઢાંકણ ખોલીને જુઓ, જો ટામેટાં થોડા શેકાયા હોય તો રોટલી શેકવા માટેના ચીપિયાની મદદથી ટામેટાંની છાલ કાઢી લો. અને પાંઉભાજી મેશર વડે મેશ કરી લો. હવે તેમાં લાલ મરચાં પાઉડર તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને ક્રશ કરેલા મૂળા તેમજ તેની ભાજી તેમાં મેળવીને ફરીથી 3-4 મિનિટ માટે ઢાંકીને થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને મૂળાની ચટણી પર લીંબુનો રસ તેમજ સમારેલી કોથમીર ભભરાવીને મિક્સ કરીને આ ચટણી ખાવા માટે પીરસો.

આ ચટણી એરટાઈટ કન્ટેનરમાં 2-3 દિવસ સુધી ફ્રીજમાં સારી રહે છે.