રાજસ્થાની ઢુંગરી તડકા ચટણી

કોઈકવાર ભાવતું શાક ન બન્યું હોય કે જમવામાં થોડો અલગ સ્વાદ જોઈતો હોય તો ઈન્સ્ટન્ટ બની જતી રાજસ્થાની ઢુંગરી તડકા ચટણી જમવામાં રંગત લાવશે!

સામગ્રીઃ કાંદો 1-2, ટામેટું 1, લસણની કળી 8-10, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, શેકેલા શીંગદાણા ¼ કપ, ધોઈને ઝીણી સમારેલી કોથમીર ¼ કપ, તેલ 3 ટે.સ્પૂન

રીતઃ શેકેલા શીંગદાણા તેમજ લસણની કળીને બહુ બારીક નહીં પણ થોડાં અધકચરા વાટી લો.

કાંદો તેમજ ટામેટાંને ઝીણાં સમારીને એક સ્ટીલના બાઉલમાં લો. હવે તેની ઉપર સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, વાટેલા શીંગદાણા-લસણ નાખીને લાલ મરચું પાઉડર પણ ઉમેરો. એક વઘારીયામાં તેલ ગરમ કરીને આ વઘાર તેની ઉપર રેડીને મિક્સ કરી દો.

તૈયાર છે રાજસ્થાની ઢુંગરી તડકા ચટણી. આ ચટણી રોટલી, ભાખરી કે ભાત સાથે પણ સારી લાગશે.