ચોખાના લોટના ફીણીયા લાડુ મોંઢામાં મૂકતાં જ ઓગળી જાય તેટલા સોફ્ટ હોય છે. તે બહુ ઝડપથી બની પણ જાય છે.
સામગ્રીઃ ચોખાનો લોટ 1 કપ, દૂધ ½ ટે.સ્પૂન, ઘી ½ કપ તેમજ 1 ટે.સ્પૂન, દળેલી ખાંડ ½ કપ, એલચી પાઉડર ½ ટી.સ્પૂન, કાજુ-બદામના ટુકડા 1 ટે.સ્પૂન
રીતઃ ચોખાના લોટમાં ½ ટે.સ્પૂન દૂધ અને 1 ટે.સ્પૂન ઘીનું મોણ દો અને લોટને પ્રેશ કરીને સરખો ધાબો દઈને 15 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો. ઘી (½ કપ)જામેલું ન હોય તો તેને ફ્રીઝરમાં અડધી કલાક માટે ઢાંકીને જામવા માટે મૂકો.
15 મિનિટ બાદ ચોખાની ચાળણીમાં ધાબો દીધેલો ચોખાનો લોટ ચાળી લો.
એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. ગેસની આંચ ધીમી રાખવી. તેમાં ચાળેલો ચોખાનો લોટ ધીમી આંચે સતત હલાવતા રહો. 6-7 મિનિટ બાદ લોટ શેકાવાની સુગંધ આવવા લાગે અને લોટ થોડો બદામી રંગનો દેખાવા લાગે એટલે ગેસ બંધ કરીને આ લોટ મોટા વાસણમાં કાઢી લો.
ઘીને ફ્રીઝરમાંથી બહાર કાઢી લો. તેના ચમચી વડે ટુકડા કરીને બ્લેન્ડર વડે ફીણી લો. તેમ કરતાં ઘી ક્રીમ જેવું બની જશે. બ્લેન્ડર ન હોય તો હાથની હથેળી વડે તેને ફીણી લો. હવે તેમાં દળેલી સાકર પણ ભેળવીને મિક્સ કરીને ફીણી લો.
ચોખાના લોટમાં એલચી પાઉડર તેમજ કાજુ-બદામના ટુકડા મેળવી લો. હવે ઘી-સાકરનું ફીણેલું મિશ્રણ તેમાં હાથેથી સરખું મેળવી દો અને લાડુ વાળી લો.







