સ્વીટ કોર્ન કટલેટ

સ્વીટ કોર્નની બાળકોને ભાવતી ઘણી બધી વાનગીઓ બને છે! સ્વીટ કોર્ન કટલેટ પણ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે!

સામગ્રીઃ સ્વીટ કોર્નના દાણા 2-3 કપ, સિમલા મરચાં 2, ગાજર 1, આદુ ખમણેલું 1 ટે.સ્પૂન, લીલા મરચાં 3-4, બાફેલો બટેટો 1, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, હળદર ¼ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન, ધાણાજીરુ ½ ટી.સ્પૂન, શેકેલા જીરાનો પાઉડર ½ ટી.સ્પૂન, ગરમ મસાલો ½ ટી.સ્પૂન, આમચૂર અથવા ચાટ મસાલો 1 ટી.સ્પૂન, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, સંચળ પાઉડર ¼ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, ચણાનો લોટ 1 કપ, ચોખાનો લોટ 3 ટે.સ્પૂન

રીતઃ સ્વીટ કોર્નના દાણાને મિક્સીમાં પલ્સ મોડ પર અધકચરા પીસી લો. સિમલા મરચાં, લીલા મરચાં તેમજ ગાજરને એકદમ ઝીણાં સમારી લો.

સમારેલાં શાક એક મોટા વાસણમાં લઈ તેમાં હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ, શેકેલા જીરાનો પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો, લીંબુનો રસ, સંચળ પાઉડર તેમજ સ્વાદ મુજબ મીઠું લો. બાફેલા બટેટાને છૂંદો કરીને ઉમેરો. ખમણેલું આદુ મેળવો. સમારેલી કોથમીર મેળવીને चणचચોખાનો લોટ ઉમેરીને ચણાનો લોટ થોડો થોડો મેળવતા જઈ તેને લોટની જેમ બાંધો, પરંતુ આ લોટ રોટલીના લોટ કરતાં નરમ હોવો જોઈએ.

આ લોટમાંથી ગોળ-ચપટા ગોળા વાળીને એક પ્લેટમાં ગોઠવી દો.

કઢાઈમાં તેલ ગરમ કરીને ગોળા તેમાં હળવેથી આવે તેટલા ગોઠવીને ગેસની મધ્યમ આંચે સ્વીટ કોર્ન કટલેટ સોનેરી રંગની તળી લો.

તૈયાર સ્વીટ કોર્ન કટલેટ લીલી તીખી ચટણી, ગળી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.