બાળકોને ભાવે તેવો ગળ્યો નાસ્તો, જે પૌષ્ટિક પણ છે!

સામગ્રીઃ ઝીણો રવો 1 કપ, ચોખાનો લોટ 2 ટે.સ્પૂન, દળેલી સાકર ½ કપ, નાળિયેરનું છીણ 2 ટે.સ્પૂન, બદામની કાતરી 1 ટે.સ્પૂન, ખસખસ 1 ટે.સ્પૂન, સફેદ તલ 1 ટે.સ્પૂન, મીઠું 1 ચપટી, બેકીંગ સોડા અથવા ઈનો ½ ટી.સ્પૂન, ઘી, મધ
રીતઃ એક મોટા બાઉલમાં રવો, ચોખાનો લોટ, દળેલી સાકર, નાળિયેરનું છીણ, ખસખસ, સફેદ તલ તેમજ તેમાં 1 ચપટી જેટલું મીઠું મેળવી દો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરીને થોડું જાડું એવું ખીરું બનાવીને, તેને ઢાંકીને 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ આ મિશ્રણ રવાને કારણે ફુલીને ઘટ્ટ થઈ ગયું હશે. તેથી તેમાં થોડું પાણી મેળવીને ઢોકળાના ખીરા જેવું પણ થોડું ઘટ્ટ મિશ્રણ બનાવી લો.
જ્યારે પેનકેક બનાવવાના હોય ત્યારે તેમાં બેકીંગ સોડા મેળવી દો.
એક નોન-સ્ટીક પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું ઘી રેડીને તેમાં એક કળછી ખીરું રેડીને ગેસની ધીમી આંચે 2-3 મિનિટ થવા દો. ત્યારબાદ પેનકેક ઉથલાવીને ફરીથી 2-3 મિનિટ થવા દો. પેનકેક બંને બાજુએથી સોનેરી રંગના થવા જોઈએ.
તૈયાર પેનકેકને પીરસતી વખતે તેની ઉપર થોડું મધ રેડીને આપવાથી તે બાળકોને વધુ ભાવશે.





