મેહમૂદ: કહાં કહાં સે ગુજર ગયે…

મેહમૂદને સૌ જાણે છે પણ એમના વિશે કેટલીક ઓછી જાણીતી વિગતો જાણવા જેવી છે. માણસના જીવનમાં સંબંધો, સફળતા, પૈસો વગેરે કેટલું નાશવંત છે એનો હૃદયસ્પર્શી આલેખ એટલે મેહમૂદનું જીવન.

શરીર દગો દઈ રહ્યું છે, પણ જુઓ જુસ્સો બરકરાર છે


– આર.એસ.

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૨૦૦૩ દીપોત્સવી અંકનો)


ઈન્ડસ્ટ્રીમાં મેહમૂદ પહેલો કૉમેડિયન હતો જેની સામે હીરો પણ ઝાંખો પડી જતો. એની આવી પ્રચંડ સફળતાને કારણે હીરોઈનો પણ એની પાછળ ઘેલી બનતી. કદાચ એટલે જ એનો પ્રણયસંબંધો પણ ઘણા બંધાયા.

મેહમૂદઃ હીરો જેની સામે ઝાંખા પડી જતા, હીરોઈનો જેની પાછળ ઘેલી બનતી

જો કે એણે સંઘર્ષ ઘણો ખેડ્યો. મહેમૂદના પિતા મુમતાઝ અલી અને બહેન બીબી મુમતાઝ (જે પાછળથી મીનુ મુમતાઝ તરીકે ચમકી) ૧૯૪૦-૫૦ના દસકમાં ઠીક ઠીક ચાલ્યાં. પરંતુ આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા જેવું ખાતું હોવાથી ગરીબી કેડો નહોતી મૂકતી.

પરિણામે મેહમૂદ ઝાઝું ભણી ન શક્યો. સાત ધોરણ પછી ઊઠી જવું પડ્યું. આર્થિક તંગીને લીધે પિતાના એક મિત્ર કવિ ગોપાલ સિંહ નેપાલીને ત્યાં ડ્રાઈવરની નોકરી કરી. પછી પ્યારેલાલ સંતોષી (દિગ્દર્શક રાજ કુમાર સંતોષીના પિતા) જેવી કેટલીય હસ્તીઓની કાર ચલાવી. એ નોકરી દ્વારા ઈન્ડસ્ટ્રીના લોકો સાથે ઘનિષ્ઠતા જમાવી દીધી. લક્ષ્ય હતું અભિનેતા બનવાનું, પરંતુ પિતા દીવાલ બનીને ઊભા રહ્યા, કારણ તેઓ નહોતા ચાહતા કે દીકરો એમના જેવા સંઘર્ષમાં પસાર થાય. પરંતુ અડગ મનોબળવાળો મેહમૂદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘૂસી જ ગયો. ભારત ભૂષણ સાથે એક નૃત્યગીતમાં દેખાયો. એના શૂટિંગ વખતે મેહમૂદે એવી અદાથી કમ્મર હલાવી કે નિર્દેશક બિમલદા સહિત સૌ હસી પડ્યા. ગીત હતું ‘જીઓ જીઓ મેરે લાલ બાંકી તેરી ચાલ…’ આ ગીત ચગ્યું અને મેહમૂદ જામી ગયો. એક મુલાકાતમાં મેહમૂદે જ કબૂલ કર્યું કે એ ફિલ્મે એને રાતોરાત કૉમેડિયન બનાવી દીધો. એના શુભેચ્છક આસિત સેનએ સલાહ આપેલી કે વાસ્તવિક જીવનમાં એ જેવો મજાકિયો હતો એવો જ પડદા પર દેખાશે તો એનો કોઈ હાથ નહીં પકડી શકે, પણ મેહમૂદ જામી ગયો. એની અદાઓ, અભિનય લોકોને ગમી ગયાં.

રાજેન્દ્ર કુમાર-સરોજા દેવીની ‘સસુરાલ’માં એને ફુલફ્લેજ્ડ કૉમેડી કરવાનો મોકો મળ્યો. એ ફિલ્મ હિટ થતાં જ કૉમેડિયનના ઢાંચામાં એકદમ ફિટ થઈ ગયો. પછી તો ફિલ્મોની લાઈન લાગી ગઈ. છોટે નવાબ, મૈં ઔર મેરા ભાઈ, પ્યાસે પંછી, દિલ તેરા દીવાના, ઈસી કા નામ દુનિયા હૈ, ભરોસા, દિલ એક મંદિર, ગોદાન, હમરાહી, જિદ્દી, જિંદગી, આકાશદીપ, ગુમનામ, કાજલ, નીલા આકાશ, બહારેં ફિર ભી આયેંગી, બિરાદરી, છોટાભાઈ, લવ ઈન ટોકિયો, પિંજરે કે પંખી, પ્યાર કિયે જા, આંખેં, ચંદન કા પાલના, ગુનાહોં કા દેવતા, નીલકમલ, આશીર્વાદ, દો કલિયાં, સુહાગરાત, પડોસન, કુંવારા બાપ જેવી હિટ સુપરહિટ ફિલ્મોની લંગારે મેહમૂદને શિખરે પહોંચાડી દીધો.

મેહમૂદનો કરિશ્મા એટલો જબરદસ્ત હતો કે હીરો પણ ગભરાતા. ઘણું ખરું ફરિયાદ એ જ રહેતી કે મેહમૂદ હીરોઈનોને નસાડી જતો. કારણ એ દિલફેંક ટાઈપનો અદાકાર હતો. એની ફિલ્મો કરતાં પ્રણય કિસ્સાઓ વધુ ગરમાગરમ રહેતા. મુંબઈના બાન્દ્રા ઉપનગરમાં મીના કુમારી એની પડોશણ હતી. એની નાની બહેન માધુરી સાથે મેહમૂદે નિકટતા સાધી હતી. બન્નેની આત્મીયતા મીના કુમારીને પસંદ નહોતી. તેથી એક રાતે માધુરીને લઈને મેહમૂદ ગાયબ થઈ ગયો. નિકાહ કરી દીધા. જો કે એ શાદી લાંબી ન ટકી. પછી મેહમૂદે વિદેશી ટ્રેસીને મનાવીને એને બીવી બનાવી દીધી. મેહમૂદ ખૂબ જ પ્યાર કરતો, પરંતુ એ વધુ સમય પિયરમાં જ રહેતી. મેહમૂદનાં અનેક લફરાંઓ ગાજતાં જ રહ્યાં. જો કે શુભા ખોટે અને અરુણા ઈરાની સાથે રોમેન્ટિક વાતો ખૂબ જ ચગી. આ બન્ને અભિનેત્રીઓ સાથે મેહમૂદની જોડી મશહૂર બની ગઈ. શુભા ખોટે કહે છે: ‘મુઝે ઔર મેહમૂદ ભાઈજાન કો એકસાથ સફલતાએં મિલની શરૂ હુઈ. પત્રકારોએ અમારા વિશે ગરમાગરમ અફવાઓ ઉડાડી હતી. કોઈ કહેતું હું ફિલ્મો અપાવું છું તો કોઈ વાત ઉડાડતા કે મેહમૂદ ભાઈજાન મારી શિફારસ કરીને ફિલ્મો અપાવતા. હું તો સંજોગોને જ શ્રેય આપું છું કે અમારી ઘણી ફિલ્મો હિટ થઈ ગઈ. નિર્માતાઓને અમારી જોડી લકી લાગી અને જોડી લાંબી ટકી. અફેર માત્ર પેપર વેચવાનું કાવતરું જ હતું. નિ:સંદેહ મેહમૂદભાઈ ખૂબ અચ્છા અભિનેતા અને ગજબના ઈન્સાન છે. એમણે ઈન્ડસ્ટ્રીમાં ઘણાને મદદ કરીને સ્ટાર બનાવી દીધા.’

અરુણા ઈરાની પણ ખુલ્લા દિલે મેહમૂદની તારીફ કરે છે: ‘મેહમૂદ ભાઈજાન કો મૈં સબ સે પહલે એક અચ્છે ઈન્સાન કે તૌર પર જાનતી હૂં, કારણ અભિનેતા તરીકે એમના વિશે કાંઈ પણ કહેવું એ સૂરજને મીણબત્તી દેખાડવા જેવું થાય. તેઓ એટલા કાબેલ ઍક્ટર છે કે જાતે જ સીન ઘડી કાઢતા. જ્યાં હાસ્યને સ્થાન ન હોય એવી સિચ્યુએશન તેઓ હાસ્યપ્રદ બનાવી દેતા. જો આજે તેઓ બીમાર ન હોત તો આજેય દર્શકોને ગલગલિયાં કરાવતાં હોત. મને આ મંજિલે પહોંચાડવામાં મેહમૂદ ભાઈજાનનો મોટો હાથ છે.’

અમિતાભ બચ્ચનને સ્ટાર બનાવવામાં મેહમૂદ જબરો હિસ્સો છે. સંઘર્ષકાળમાં અમિતાભ મેહમૂદના ભાઈ અનવર અલી સાથે મેહમૂદના એપાર્ટમેન્ટમાં જ રહેતો. અનવરની ભલામણથી મેહમૂદે જ્યારે ‘સાત હિંદુસ્તાની’ જોઈ ત્યારે એટલો પ્રભાવિત થયો કે બીજે દિવસે એને ઑફિસે બોલાવ્યો. મેહમૂદની નિર્માણ સંસ્થામાં એનસી સિપ્પી પ્રોડક્શન કંન્ટ્રોલર હતા. એમણે અમિતાભને બહાર કાઢ્યો અને મેહમૂદને ટકોર કરી: ‘ભાઈજાન અગર આપને ઈસ લંબૂ કો હીરો બનાયા તો જિંદગીભર પછતાયેંગે.’ મેહમૂદે માત્ર એટલું જ કહીને ચૂપ કરી દીધાં કે ‘મૈં ઉસકા આજ નહીં કલ દેખ રહા હૂં. યહ લંબૂ કિતના લંબા ચલેગા તુમ્હેં નહીં માલૂમ.’ મેહમૂદે ૫૦૦ રૂપિયા સાઈનિંગ અમાઉન્ટ તરીકે આપીને હીરો તરીકે સાઈન કરી લીધો. એ ફિલ્મ હિટ થઈ અને અમિતાભનો બંધ રસ્તો ખૂલી ગયો. એવી જ રીતે હૃષિકેશ મુખર્જીએ ‘આનંદ’માં રાજેશ ખન્નાની સાથે પહેલા સંજીવ કુમારને સાઈન કરેલો, પણ રાજેશ ખન્નાએ ઈન્કાર કરી દીધો. કારણ સંજીવ ખાઈ જશે એવી એને બીક પેઠી. રાજેશ સુપર સ્ટાર હતો તેથી હૃષિદાએ નમતું જોખીને મેહમૂદના કહેવાથી અમિતાભને લીધો. અમિતાભે મેહમૂદનો દાવો સાચો કરી દેખાડ્યો.

‘બૉમ્બે ટુ ગોવા’માં અમિતાભ-શત્રુઘ્ન સિંહાની ફાઈટ સિક્વન્સ દેખાડીને મેહમૂદે અમિતાભને જ ‘જંજીર’નો હીરો બનાવવાની ભલામણ પ્રકાશ મહેરાને કરી. પ્રકાશ મેહરા દેવ આનંદ, રાજ કુમાર અને સંજીવ કુમાર વચ્ચે કોની પસંદગી કરવી એની વિમાસણમાં હતા. ત્યાં અમિતાભને લઈને ગૂંચ ઊકેલી દીધી. એસ. ડી. બર્મનના દીકરા પંચમ અર્થાત્ આર.ડી. બર્મનને પણ મેહમૂદે જ પહેલી ફિલ્મ ‘ભૂત બંગલા’માં બ્રેક આપ્યો. મેહમૂદ અને પંચમની દોસ્તી લાંબી ચાલી.

મેહમૂદની કરિયરની સૌથી સફળ ફિલ્મ ‘પડોસન’ હતી, જેમાં સુનિલ દત્તને બદલે પંચમને લેવાનું નક્કી કર્યું. મેહમૂદને ખાતરી હતી કે સીધાસાદા પાત્રમાં પંચમ ફિટ થઈ જાત, પરંતુ નિર્દેશક જ્યોતિ સ્વરૂપની પાછલી બે-ત્રણ ફિલ્મો ફલૉપ થઈ હતી. અને ફિલ્મ વેચવા સ્ટારની જરૂર હતી. તેથી મેહમૂદે સુનિલ દત્તને ફાઈનલ કર્યો. ‘પડોસન’ દસ લાખમાં વેચાઈ હતી. આજેય મેહમૂદને લાગે છે કે જો પંચમ હીરો હોત તો વધુ કમાણી થઈ હોત. મેહમૂદે આ ફિલ્મમાં કેશ્ટો મુખર્જીને બ્રેક આપ્યો હતો. ‘સાધૂ ઔર શૈતાન’માં કેશ્ટોને ફરી લીધો. કલકત્તાથી આવેલો કેશ્ટો શરાબીની ભૂમિકા કરતાં કરતાં શરાબમાં જ ખતમ થઈ ગયો. કેશ્ટોના અણધાર્યા અવસાનથી મેહમૂદ હચમચી ઊઠ્યો હતો.

મેહમૂદ પોતાની યાદગાર ફિલ્મોમાં ‘કુંવારા બાપ’ને સૌથી ઉપર રાખે છે. એ ફિલ્મમાં દિલની પીડાને વાચા આપી હતી. પોલિયોથી પીડાતા પુત્રની જિંદગી પર આધારિત આ ફિલ્મ હતી.

સંઘર્ષરત પિતાનો પુત્ર હોવાથી મેહમૂદે કામને હંમેશાં પૂજાનો દરજ્જો આપ્યો છે. શારીરિક રીતે નબળા પડી ગયા પછી જ લાઈટ અને કૅમેરાથી રૂખસદ લીધી. આરામ ફરમાવવા બેંગલોરના ફાર્મ પર જવા છતાં મન તો મુંબઈમાં જ રહ્યું. ૧૪ વર્ષનાં વનવાસ પછી જ્યારે પાછો ફર્યો ત્યારે કે. રવિશંકરે ‘ઉધાર કી જિંદગી’માં જિતેન્દ્રના મિત્રનો રોલ ઑફર કર્યો. મેહમૂદ તૈયાર તો થઈ ગયો, પરંતુ હાર્ટઍટેક આવતાં ડૉક્ટરે કંપલિટ બેડરેસ્ટની સલાહ આપી, પરંતુ હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં ‘ઉધાર કી જિંદગી’ના સેટ પર વ્હીલ ચેરમાં હાજર રહીને સીન અને ડબિંગ પૂરું કર્યું, કારણ કોઈ નિર્માતાને હાનિ પહોંચે એ એને હરગીઝ પસંદ નથી.