‘ચાંદની’માં શ્રીદેવીએ યશ ચોપરા ખાતર ગીત ગાયું હતું

૫૪ વર્ષની વયે આ દુનિયામાંથી કાયમને માટે વિદાય લઈ લેનાર અભિનેત્રી શ્રીદેવીની યાદમાં અહીં પ્રસ્તુત છે ‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 16-31 જુલાઈ, 1989ના અંકમાં પ્રકાશિત પત્રકાર મોહન દીપના અહેવાલની વિગત:

શ્રીદેવીને પહેલીવાર જ્યારે ખબર પડી કે એણે એક ગીત ગાવાનું હતું ત્યારે એ ઉશ્કેરાઈ ગયેલી. ધંધાદારી રીતે અગાઉ એણે કદી ગાયું નહોતું તેથી ઉત્તેજના સાથોસાથ એ ભયભીત બની ગઈ.

‘કભી કભી બાથરૂમમેં ગુનગુનાતી હૂં’. શ્રીદેવીએ એક વાર મને કહેલું, ઉત્તેજના છુપાવતાં શ્રીદેવીએ કહ્યું: ‘ગાવાનું અઘરું નીવડશે. જિંદગીમાં કદી ગાયું નથી.’ પરંતુ યશ ચોપરા વિચાર પડતો મૂકે એવા નહોતા.

પદ્ધતિસર એણે શ્રીદેવીને ગળે વાત ઉતારવા માંડી. એને ખાતરી આપી કે ગીત આસાનીથી ગાઈ શકાશે. એમાં સંવાદો હશે. યશ ચોપરાએ જોઈએ તેટલા રિહર્સલો, ફાવે એટલા રેકોર્ડિંગ્સ, સમય કે ધનની પરવા કર્યા વિના સુવિધા આપી.

ચાંદનીનું શીર્ષક ગીત જોલી મુખરજી સાથે એણે ગાવાનું હતું.

શ્રીદેવી જેટલો પરિશ્રમ અભિનય પાછળ કરતી એટલો જ ગાયિકા રુપે કરવા માંડી. યશ ચોપરા કહે છે: ‘સતત પાંચ દિવસ એણે રિયાઝ કર્યા. શરુઆતની ઊણપો પ્રેક્ટિસ પછી અલોપ થઈ ગઈ. પાંચમા રિહર્સલ વખતે શ્રીદેવી એકદમ તૈયાર હતી.’

ચહેરા પર કશા જ થપેડા વિના શ્વેત વસ્ત્રોમાં પરિધાન શ્રીદેવી માઈક સામે ઊભી રહીને ગણગણવા લાગી. એની વિનંતીને વશ થઈને શ્રોતાઓ જૂજ જ રાખેલાં.

એક વાત એવી ઊડી કે ચાર રેકોર્ડિંગ કરવા પડ્યા. પરંતુ ચોપરા ઈનકાર કરતા કહે છે: ‘શ્રીદેવીએ બે દિવસ રેકોર્ડિંગ કર્યું. દો દિનમેં દો રેકોર્ડિંગ કી. ઉપરાંત યાંત્રિક દ્રષ્ટિએ આજે આપણે એવી હરણફાળ ભરી છે કે બિનજરૂરી શબ્દો ભૂંસી શકાય. બે રેકોર્ડિંગમાંથી શ્રેષ્ઠ તારવીને મિશ્રણ કરી નાખ્યું. અંતે ગીત ફાઈનલ થયું.’

સંતુષ્ટ શ્રીદેવી ગીતનું ફિલ્મીકરણ કરવા તૈયાર હતી.

જોલી મુખરજીના ગીતને રિષી કપૂર મમળાવતો હતો. શ્રીદેવીને પોતે જ ગાયેલા ગીતને પડદા પર મમળાવવાની મોજ પડતી હતી.

શું હીરોઈનનો અહમ્ સંતોષવા ચોપરાએ આવું કર્યું?

ચોપરા કહે છેઃ ‘શ્રીદેવીના અહમને પોસવાનો પ્રશ્ન જ નહોતો. ‘સિલસિલા’માં મેં અમિતાભ પાસે ત્રણ ગીતો નહોતા ગવડાવ્યા? ‘વિજય’માં અમિતાભની ‘લાલા લાલા લાલા’નું પુનરાવર્તન ચાંદનીમાં શ્રીદેવીના તાલીમ પામેલા કંઠે કરાવ્યું છે. સાંભળવું ગમે છે, કાનને પણ મઝાનું લાગે છે.’

‘ચાંદની, ઓ મેરી ચાંદની…’ શરૂ થાય છે. શ્રીદેવીનો સ્વર પ્રગટે છે, ‘પ્યાર મુઝે તુમ કરતે હો, ફિર કિસ બાત સે ડરતે હો…’