સાહોઃ સુપરડુપર ડિઝાસ્ટર

ફિલ્મઃ સાહો

કલાકારોઃ પ્રભાસ, શ્રદ્ધા કપૂર, મુરલી શર્મા, ચંકી પાંડે, નીલ નીતિન મુકેશ, પ્રકાશ બેલવાડી

ડાયરેક્ટરઃ સુજિત

અવધિઃ 174 મિનિટ્સ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
સ્ટાર કેવા ને વાત કેવી

દર વખતે ‘ફિલ્મોમીટર’માં આપણે જામ્યું-ન જામ્યું આપતા હોઈએ છીએ, જે આખા રિવ્યૂનો નિચોડ હોય છે. આ વખતે થાય છે કે, તેલુગુ ઉપરાંત તમિળ, મલયાલમ અને હિંદીમાં રિલીઝ થયેલી ‘સાહો’નો રિવ્યૂ જ ‘જામ્યું, ન જામ્યું’ અથવા ‘શું ગમ્યું, શું નહીં’ના સ્વરૂપમાં લખું.

ગમ્યું… ફિલ્મ શરૂ થતાં પહેલાં આવતું રાષ્ટ્રગીત… એ પછી બતાવવામાં આવેલું ‘છીછોરા’નું ટ્રેલર… અક્ષયકુમારની પેલી ‘નંદુ’વાળી ઍડ… એ પછીના ત્રણ કલાક ઍરકન્ડિશન, આરામદાયક, રૂમ ફ્રેશનરથી મઘમઘતા ‘પીવીઆર’માં ઊંઘી જવાનું પ્રલોભન… અજાણતાંમાં બની ગયેલી હાસ્યપ્રધાન (સૉરી, હાસ્યાસ્પદ) ફિલ્મ અર્થાત અનઈન્ટેન્શનલી બની ગયેલી કોમેડી… ઈન્ટરવલ સિવાય આખી ફિલ્મ દરમિયાન ગમે ત્યારે વૉશરૂમ જઈ શકાય ને પાછા આવ્યા પછી પણ કંઈ જ ફરક ન પડે એવું કથાકથન. ઈનફૅક્ટ ફિલ્મમાં વાર્તા જ નથી. એ કામ ડિરેક્ટરે પ્રેક્ષક પર છોડ્યું છેઃ ચલો, વાર્તા શોધો! આખી ફિલ્મ લગભગ પૂરી થવા આવે છે ત્યારે નીલ નીતિન મુકેશ સ્ટોરી શું છે એ સમજાવવા બેસે છે… પ્રભાસની દૂરંદેશિતા- એક સીનમાં એ શ્રદ્ધા કપૂરને કહે છેઃ “મારા ફૅન્સ એ કાંઈ સાદા ફૅન્સ નથી, ડાઈ-હાર્ડ ફૅન્સ છે, મને મારીને જ છોડશે”… ફિલ્મ જોયા પછી ફૅન્સ આવું કરવાના છે એની એને આગોતરા જ ખબર પડી ગયેલી, બોલો… આ ફિલ્મ નથી, પણ અધકચરી ખીચડી છે એવું પુરવાર કરવા ડિરેક્ટરે પ્રભાસની એન્ટ્રી વખતે મુંબઈ ચાલમાં એક ગૃહિણીને કૂકર પર ખીચડી ચડાવતી બતાવી છે અને ડાયલોગ પણ રાખ્યોઃ “પાંચ સિટી વાગશે એટલે મારી ખીચડી તૈયાર”. (એટલે?)… ક્લાઈમેક્સમાં એકાએક આવી જતા ‘મૅડ મૅક્સ-3’ જેવા પંક-ટાઈપ ગોરા ગુંડા… આવા ખતરનાક બાવડાંબાજ કંઈ હોલિવૂડનો જ ઈજારો નથી, શું?

-અને ફિલ્મ વિશેની સૌથી ગમી ગયેલી વાતઃ આવી આપત્તિ (ડિઝાસ્ટર)ને બ્લૉકબસ્ટર એન્ટરટેઈન્મેન્ટ કહીને નિર્માતાઓ પાસેથી સાડાત્રણસો કરોડ રૂપિયા મેળવી લેવાનો ડિરેક્ટરનો આત્મવિશ્વાસ.

શું ના ગમ્યું… ઊંઘમાં ભંગ કરતું લાઉડ મ્યુઝિક તથા આસપાસની સીટ પર બેઠેલા અન્ય પ્રેક્ષકનાં નસકોરાંના અવાજ… ધી એન્ડ બાદ ડોર-કીપરે ખભો ઢંઢોળી મીઠી નીંદરમાંથી જગાડ્યો એ… અને જુવો, ફિલ્મ કંઈ ખરાબ નથી. બલકે આવી ફિલ્મ માટે ખરાબ શબ્દ અલ્પમૂલ્યાંકિત છે, ખરાબ તો સારો શબ્દ છે. આમ છતાં કહેવા ખાતર કહેવું જ હોય તો, ફિલ્મની એક પણ વાત ન ગમીઃ ઓવરરેટેડ પ્રભાસ હીરો કરતાં કૉમેડિયન વધુ લાગે છે, શ્રદ્ધા કપૂર, મંદિરા બેદીના આખી ફિલ્મમાં “આ ક્યાં ફસાઈ ગયાં”? જેવા હાવભાવ છે, ચંકી પાંડેથી લઈને જૅકી શ્રોફ અને મહેશ માંજરેકરથી લઈને ટીનુ આનંદ, અર્જુન વિજય બધા ખુશ છે કેમ કે બધાને ચકચકિત સુટ પહેરવા મળ્યા છે, બધાની જ દાઢી છોલવાની જફા મટી ગઈ છે, બધા કાબરચીતરી દાઢીમાં દેખાય છે,

ફિલ્મ જોવી કે ન જોવી? જુઓ, ઘરમાં સોફા પર બેસીને ત્રણ કલાક સામેની દીવાલને તાક્યા કરશો તો એ ક્રિયા વધુ એન્ટરટેઈનિંગ હશે અથવા એમ કરવામાં તમને વધારે મજા આવશે. બાકી સાહો… જસ્ટ ફરગેટ ઈટ.

(જુઓ ‘સાહો’નું ટ્રેલર)