તુર્કોનું આક્રમણઃ કુર્દ પ્રજા માટે ભારત શું કરી શકે?

પાકિસ્તાનને ગણ્યાંગાંઠ્યાં દેશોએ ટેકો આપ્યો છે, તેમાં તુર્કસ્તાનનો સમાવેશ થાય છે. તુર્કસ્તાનને ભીંસમાં લેવા માટેની તક ભારત પાસે છે, કેમ કે હાલમાં તુર્કી સેનાએ કુર્દો સામે કાર્યવાહી શરૂ કરી છે તેનો વિરોધ પશ્ચિમમાંથી પણ થઈ રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિવેદન આપ્યું હતું કે પોતે તુર્કીને આર્થિક રીતે બરબાદ કરી નાખશે. તેમના નિવેદનમાં વિરોધાભાસ એ છે કે એક તરફ તુર્કીને ધમકી આપે છે, પણ બીજી બાજુ તુર્કી સેનાને જેમનો ડર હતો તે અમેરિકી સેના ત્યાંથી હટાવી લેવાનું કામ કરી રહ્યાં છે.

સિરિયા અને તુર્ક વચ્ચેની સરહદે અત્યારે ઉગ્ર સ્થિતિ છે, કેમ કે અમેરિકાની હાજરી પાંખી થઈ રહી છે. સિરિયામાં આઈએસઆઈએસને બેઠો માર પડ્યો છે અને તેની સ્થિતિ ખરાબ છે, પણ તે હજી ખતમ થયું નથી. આમ છતાં બહુ લાંબો સમય આ વિસ્તારમાં અમેરિકા પોતાના સૈનિકોને રાખવા માગતું નથી. અહીંથી સૈનિકો હટાવવાની જાહેરાત કરી, પણ સાઉદીમાં 1000 સૈનિકો વધારે મોકલવાની પણ જાહેરાત અમેરિકાએ કરી છે. ફરક એટલો છે કે સાઉદીમાં સ્થિતિ એટલી ઉગ્ર નથી, જ્યારે સિરિયામાં અને સિરિયા તથા તુર્કી અને ઇરાકની સરહદે સ્થિતિ બહુ તંગ હજી પણ છે.

વચ્ચે જાણકારોએ એવું જણાવ્યું હતું કે ભારત અમેરિકા વતી મધ્ય પૂર્વમાં લશ્કરી કાર્યવાહી કરે તેવી ઇચ્છા અમેરિકાની હતી. ભારતે યોગ્ય રીતે જ તે માટે સહમતી આપી નહોતી, કેમ કે આ દેશો સાથે ભારત લાંબા ગાળાના સારા સંબંધો રાખવા માગે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપવાની કોશિશ કરી છે, ત્યારે દાખલો બેસાડવા ખાતર ભારત કુર્દ પ્રજાને લશ્કરી મદદ કરી શકે ખરું. જવાબ સહેલો નથી, કેમ કે લશ્કરી મદદ કરવી એટલી સહેલી પણ નથી. ભારત નૈતિક ટેકો આપી શકે છે, પણ મરણતોલ યુદ્ધની સ્થિતિમાં મોરલ સપોર્ટ બહુ કામ આવતો નથી. ભારત અને ઇઝરાયલ મળીને ખાનગીમાં કુર્દોને મદદ કરી શકે છે ખરા અને તે રીતે મધ્ય પૂર્વમાં સ્ટ્રેટેજિક અશાંતિ રહે તેવું બની શકે. સ્ટ્રેટેજિક અશાંતિ એટલે એવી કે દેશોને પોતપોતાની સમસ્યામાં ગૂંચવી રાખવાના, પણ સ્થિતિ વધારે વકરે નહીં તેનું ધ્યાન રાખવાનું.

કુર્દીસ્તાન બનાવવા માટેની માગણી બહુ જૂની છે. 1920માં કુર્દીસ્તાનની સ્થાપના માટે કુર્દ પ્રજાએ પેશમેગા સંગઠન તૈયાર કર્યું હતું. મરી ફિટવા તૈયાર એવા આ જૂથો અંગ્રેજો અને યુરોપિયન સામ્રાજ્યવાદીઓ હટી જાય પછી પોતાનું અલગ રાષ્ટ્ર ઇચ્છતાં હતાં. જોકે એવું શક્ય બન્યું નથી અને ઓટોમોન સામ્રાજ્યના ટુકડા કરી દેવાયાં, તેમાંથી એક કુર્દ દેશ બની શક્યો નહોતો. ચાર જુદા જુદા દેશોમાં કુર્દ પ્રજા વહેંચાઈ ગઈ છે. ચારેક કરોડ કુર્દ પ્રજા છે, તેમાંથી 2 કરોડ જેટલા તુર્કીસ્તાનમાં છે. તુર્કીસ્તાનના પૂર્વ તરફ ઇરાનની સરહદ તરફના વિસ્તારમાં કુર્દોની વસતી વધારે છે. એ જ સરહદમાં પૂર્વ તરફ વધારે આગળ વધીએ એટલે ઇરાનમાં પણ કુર્દો વસે છે. નીચે દક્ષિણ તરફ સિરિયા અને ઇરાકની સરહદો છે. આ સરહદોની પાર પણ સિરિયા અને ઇરાક બંનેમાં કુર્દોની વસતિ છે.

એક જમાનામાં ઓટોમન સામ્રાજ્ય વખતે આ બધા પ્રદેશો એકબીજા સાથે જોડાયેલાં હતાં, પણ નવા રાષ્ટ્રો વીસમી સદીની શરૂઆતમાં બનવા લાગ્યાં તે પછી કુર્દ પ્રજા વહેંચાઈ ગઈ છે. હવે તો લગભગ 100 વર્ષથી આ પ્રજા જુદા જુદા ચાર અને આર્મેનિયા સહિત પાંચેક રાજ્યોમાં વહેંચાઈ ગઈ છે. આર્મેનિયા મુખ્યત્વે ખ્રિસ્તી વસતી ધરાવતું રાજ્ય અલગ બની ગયું અને ઇઝરાયલનું નવું રાષ્ટ્ર પણ બન્યું. પરંતુ કુર્દીસ્તાન બની શક્યું નહોતું. સ્વતંત્ર બનેલા મુસ્લિમ રાષ્ટ્રોએ ઇઝરાયલ સામે પેલેસ્ટાઇનને મદદ કરી, પણ પોતપોતાના રાજ્યોમાં કુર્દ પ્રજાને દબાવી રાખવાની જ કોશિશ કરી હતી.

કુર્દ સુન્ની મુસ્લિમ ગણાય છે, પણ અરબ મુસ્લિમ જેટલાં તે રૂઢિચુસ્ત ગણાતાં નથી. મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારની આ પ્રજા મિજાજથી અરબથી અલગ પ્રજા હતી. કુર્દ અને યઝીદી પ્રજાએ ઇસ્લામ કબૂલ કરવો પડ્યો, કેમ કે ચારે બાજુ ઇસ્લામ ફેલાઈ ગયો હતો, પણ તેઓ મૂળભૂત રીતે પ્રકૃતિપૂજક પ્રજા હતી. તે લક્ષણો હજીય ઘણા અંશે જળવાઈ રહ્યાં છે. ખાસ કરીને યઝીદીઓને આજે પણ બાકીના મુસ્લિમો મુસ્લિમ ગણતાં નથી. સિરિયા પર આઈએસઆઈએસનો કબજો થયો તે પછી ઈરાકમાં પણ દળો ઘૂસી આવ્યાં હતાં. યઝીદી વસતીવાળા વિસ્તારમાં આઈએસના આતંકીઓનો કબજો થયો હતો. યઝીદી મહિલાઓના મોટા પાયે અપહરણ કરીને ત્રાસવાદીઓ સાથે પરાણે તેમની શાદી કરાવીને ઇસ્લામ કબૂલ કરાવી લેવાતો હતો. ગુલામની જેમ યઝીદી મહિલાની લેવેચ પણ ચાલતી હતી. એક સદીથી અલગ અલગ દેશોમાં વહેંચાઈ ગયેલા કુર્દો એક થઈ શક્યાં નથી. અમેરિકાના દળો સિરિયામાં આવ્યાં અને આઈએસ સામે કાર્યવાહી કરી ત્યારે સૌથી વધુ મદદે આવ્યા કુર્દો. અમેરિકાએ શસ્ત્રો આપીને કુર્દોની ટુકડીઓ તૈયાર કરી હતી. અમેરિકાના સૈનિકોની સંખ્યા ઓછી હતી, વધારે તો કુર્દો જ જેહાદી ત્રાસવાદીઓ સામે લડ્યાં હતાં. પણ આજે ડોનાલ્ડ ટ્રમ્પે તેમને દગો આપીને અમેરિકાની સેના પાછી બોલાવી લેવાનું શરૂ કર્યું છે. આ મામલો અમેરિકામાં પણ ઉગ્ર બન્યો છે. ટ્રમ્પ કહે છે કે વિદેશમાં નાહકના આપણાં સૈનિકોનો ભોગ આપવાનો નથી. તેના હરીફ ડેમોક્રેટ્સ નેતાઓ કહે છે કે અમેરિકા પર ભરોસો કરીને કુર્દો લડ્યાં ત્યારે તેને દગો દેવો તે અમેરિકાની શાખનો સવાલ છે. મહાસત્તા તરીકે અમેરિકાના વચન પર ભવિષ્યમાં કોણ ભરોસો કરશે તેવો સવાલ ડેમોક્રેટિક પક્ષના નેતાઓ પૂછી રહ્યાં છે.

ભારતે ઇરાન સાથે સારા સંબંધો જાળવી રાખ્યાં છે. તેથી કુર્દના મામલે ભારત વચ્ચે પડતું નથી. ઇરાનમાં સાતથી આઠ ટકા વસતી કુર્દોની છે. જોકે એવું માનવામાં આવે છે કે બાકીના દેશો કરતાં ઇરાનના કુર્દોમાં શિક્ષણ અને વેપારનું પ્રમાણ વધ્યું હોવાથી તેઓ પ્રમાણમાં સુખી છે. ઇરાનના પશ્ચિમ વિસ્તારમાં વધારે વસે છે અને અહીં કોઈ મોટું સંગઠન નથી જે અલગતાની વાત કરે. આમ છતાં ઇરાન હંમેશા ચિંતામાં હોય છે કે અહીં વિભાજનવાદી વૃત્તિ ગમે ત્યારે જાગી શકે છે.
ઈરાકમાં ઉત્તર તરફના વિસ્તારમાં કુર્દોને સ્વાયત્ત વિસ્તાર આપવામાં આવ્યો છે. સદ્દામ હુસૈને યઝીદી અને કુર્દ પ્રજા પર અત્યાચાર કરેલો, પણ તે પછીના વર્ષોમાં સ્થિતિ નરમ પડી છે. સ્વાયત્તતાને કારણે સ્થાનિક વહીવટ કુર્દો કરી શકે છે, પણ સાચા અર્થમાં સ્વતંત્રતા છે નહીં. તુર્કીમાં સૌથી વધુ સંખ્યા છે અને અહીં સંગઠનો સક્રિય છે, પણ તુર્કી તેને ત્રાસવાદી સંગઠનો ગણે છે. તેથી તુર્કી સેના હંમેશા તેમની સામે કડક હાથે કામ લે છે.

અત્યારે એવી જ સ્થિતિ થઈ છે. અમેરિકાની હાજરી નબળી થઈ એટલે તુર્કી સેનાએ સિરિયામાં ઘૂસીને ત્યાં રહેલાં કુર્દ જૂથો સામે કાર્યવાહી શરૂ કરી છે. તુર્કીમાં વર્ષોથી કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી સક્રિય છે. સિરિયામાં આઈએસ ખતમ થવાના આરે છે ત્યારે સિરિયામાં પોતાનો સ્વાયત્ત પ્રદેશ બનાવવાની ગણતરી આ સંગઠનની છે. તુર્કીને ચિંતા છે કે સિરિયામાં કુર્દોનો અલગ પ્રદેશ બને તો ભવિષ્યમાં તે તુર્કી સરહદમાં ઘૂસણખોરી કરી શકે છે. જોકે કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી સામ્યવાદી વિચારધારા ધરાવે છે, જ્યારે ઇરાક અને ઇરાનના જૂથોને સામ્યવાદમાં રસ નથી.

આવી સમસ્યાઓને કારણે કુર્દ પ્રજા હજી તો એક થઈને લડત આપી શકી નથી. અમેરિકા કઈ હદે સેના હટાવે છે અને સિરિયામાં કુર્દો પોતાનો અલગ વિસ્તાર બનાવી શકે છે કે કેમ તેના આધારે ભવિષ્યની ઘટનાઓ આકાર લઈ શકે છે. ભારત પાસે મર્યાદિત વિકલ્પો છે, પણ આ ગતિવિધિઓ પર ભારતની નજર રહેશે અને ઇરાન અને ઇરાક તથા મધ્યપૂર્વમાં પોતાના હિતોને જોખમાવ્યાં વિના વ્યૂહ નક્કી થશે એટલું કહી શકાય.