મન ચંગા તો કથરોટમાં ગંગા

 

મન ચંગા તો કથરોટમાં ગંગા

મન પવિત્ર હોય તો તીર્થાટનની શું જરૂર છે, ઘરમાં જ તીર્થ છે. જેનું મન શુદ્ધ હોય તેને માટે ઘરનું પાણી ગંગાજળ જેવું છે. જેનું મન પવિત્ર હોય તેને ઘર આંગણ જ ગંગા છે. સત્યને પામવા હિમાલયમાં જવાની જરૂરત નથી. આ બાબતે રોહીદાસના જીવનની સુંદર કથા છે. રોહીદાસના પડોશીઓ ગંગાસ્નાન કરવા અલ્હાબાદ અને કાશી જવાના હતાં. તે લોકોએ રોહીદાસને કહ્યું રોહીદાસ ગંગાસ્નાન કરવા ચાલો. રોહીદાસ પાસે ન હતા પૈસા, ન હતો સમય. તે તો પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરતા હતા અને જીવન વિતાવતા હતા. તેમણે તેમના પાડોશીઓને કહ્યું મન ચંગા તો કથરોટમેં ગંગા.

પાડોશીઓ કહે મોટો ભડભાદર, ભક્ત થઈ ગયો છે કે કહે છે કે મન ચંગા તો કથરોટમેં ગંગા. એ બધા પછી ગંગામાં સ્નાન કરવા ગયાં. ગંગાસ્નાન કરીને આવ્યા ત્યારે રોહીદાસની ટીંગલ ઉડાવવા (ખિલ્લી ઉડાવવા), તેમની મશ્કરી કરવા ગંગાજળ લઈને ગયા અને કહ્યું રોહીદાસ આ લ્યો ગંગાજળ. પણ પછી તેમના મુખીયાને રોહીદાસનું અપમાન કરવું હતું. તેથી તેને કહ્યું રોહીદાસ તમે કહો છો કે મન ચંગા તો કથરોટમેં ગંગા તો મારી કિમતી હીરાની વીંટી ગંગાસ્નાન કરતાં ગંગામાં પડી ગઈ છે તો કથરોટ મેં ગંગા લાવી મને અપાવી દો.

રોહીદાસ માટે તો ધર્મસંકટ ઊભું થઈ ગયું. ગંગાસ્નાન કરવા ગયેલાં બધાએ જ મુખીયાની તરફેણ કરી કહ્યું, રોહીદાસ જો તમે માનતા હો કે મન ચંગા તો કથરોટમેં ગંગા. તો કથરોટમેં ગંગા લાવીને મુખીયાની ગંગામાં પડી ગયેલી વીંટી લાવી દો. તમારા કથરોટમાં ગંગા આવી જાય તો ગંગાના તળિયે પડી ગયેલી વીંટી મળી શકવી જોઈએ. રોહીદાસને કમને કથરોટમાં પાણી ભરવું પડ્યું અને ગંગાને પ્રાર્થના કરવી પડી કે હે માતા તું તારી લાજ રાખજે.

રોહીદાસે પછી કથરોટના પાણીમાં હાથ નાખ્યો અને તળિયે તેમને વીંટી મળી અને કાઢી મુખીયાને આપી. લોકો તો દંગ થઈ ગયાં. આ કથાનો સંદેશ એ છે કે ગમે ત્યાં ભટકવાની જરૂર નથી. પ્રામાણિકપણે કરેલો આપણો વ્યવસાય જ આપણને સત્ય પમાડવા પૂરતો છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)