દયા ડાકણને ખાય |
ડાકણના દિલમાં દયાનો છાંટો હોતો નથી. પણ ક્યારેક એના મનમાં દયાનો અંકુર ફૂટે અને કોઈને જવા દે તો પોતે જ આફતમાં મુકાઇ જાય તેવી સ્થિતીનું નિર્માણ થાય.
ક્યારેક પોતે કરેલી દયા પોતાને જ ભારે પડી હોય એવા દાખલા ઇતિહાસમાં પણ જોવા મળે છે. પૃથ્વીરાજ ચૌહાણે મહમ્મદ શાહબુદ્ધિન ઘોરીને યુદ્ધમાં ૧૬ વખત પરાસ્ત કર્યા છતાં રહેમ દાખવીને એને જવા દીધો. પણ ૧૭મી વખત તે પોતે પરાસ્ત થયો ત્યારે ઘોરીએ એને કેદ પકડ્યો અને છેવટે એનો અંજામ મોત આવ્યો.
આ સંદર્ભમાં દયા કરવા જતાં ફસાઈ જવાય/આફત વહોરવી પડે, ઉપકારના બદલામાં અપકાર થાય અને ધરમ કરવા જતાં ધાડ પડે એ સ્થિતિનો સંદેશ આ કહેવતમાંથી મળે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
