હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને

 

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને

 

 

સંસાર વિકટ છે એ સ્વીકારી લઈએ તોપણ સંસારને છોડવો પણ મુશ્કેલ છે. એની વ્યર્થતા સમજાયા પછી પણ સંસાર છૂટ્યો છૂટતો નથી. સાર નથી આ સંસારમાં, એમ કહેવું સહેલું છે પણ અસારતાનો અનુભવ કર્યા પછી પણ બહુ ઓછી વ્યક્તિઓ સંસારને એક્ઝાટકે છોડી શકે છે અને ઈશ્વરને રસ્તે વળી શકે છે.

માણસ મનનો મજબૂત હોય, અંદરથી પૂરેપૂરો શૂરવીર હોય, જેનામાં કાયરતાનું નામનિશાન ન હોય એ જ હરિનો મારગ લઈ શકે. કાયર માણસો મરતા પહેલાં લાખ વાર મરતા હોય છે. જે લોકો સંસાર છોડું કે ન છોડું, ઈશ્વરનો પંથ લઉં કે ન લઉં એની દ્વિધામાં ને એના વિકલ્પમાં અટવાતા હોય એવા ભીરુઓનું કામ નથી. માથું મૂકવાની તાકાત હોવી જોઈએ. એક વાર જેનું નામ લીધું તે લીધું, બધું જ છોડવું પડે, સુત, સંપત્તિ, પત્ની, જે બધું જ છોડે એને અઢળક અને મબલખ ઈશ્વર મળે.

સંસારનો રસ જેને ખારો લાગે એને જ પરમનો પ્રેમરસ મીઠો લાગે. સાગરમાંથી માછલી પકડવી સહેલી છે. કિનારા પર ઊભા રહીને જાળ ફેલાવીને માછલી પકડવી એ મોટી વાત નથી પણ જેણે મોતી લેવું હોય તેણે તો મરજીવા થઈને સમંદરમાં કૂદી પડવું જોઈએ. મરણનો ભય ન હોય. પીડાની પડી ન હોય. જે ભયમુક્ત અને ચિંતામુક્ત હોય એવા નરવિરલાને જ હરિનો મારગ મળે. તીરે ઊભા રહીને તમાશો જોવે એના હાથમાં કોડી પણ ન આવે. શંખલા, છીપલાંની વાત તો દૂર રહી.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)