દંતાળીનો લાંબો દાંતો હોય તે ઘસાય

 

દંતાળીનો લાંબો દાંતો હોય તે ઘસાય

 

દંતાળી એ ખેડૂત દ્વારા વપરાતું લાકડાનું ખેતીકામનું એક સાધન છે. જેમ કાંસકાને દાંતા હોય છે, તેમ દંતાળીને પણ દાંતા હોય છે, જે ખેતરમાં માટી ખેંચવામાં અથવા ખળામાં ડૂંડાં ભેગાં કરવામાં વપરાય છે.

બધા દાંતા એકસરખા જ હોય તો સ્વાભાવિક રીતે તેમને ઘસારો પણ એકસરખો પડશે. પરંતુ એમાં જો એક દાંતો લાંબો હોય તો તે સૌથી પહેલાં જમીનના સંપર્કમાં આવે છે અને ઘર્ષણને કારણે વધારે ઘસાય છે.

કોઈ પણ વ્યક્તિ અહંકારી હોય અથવા સત્તા કે પૈસાના મદમાં પોતાની જાતને પોતાના સાથીઓ, કાર્યકરો અથવા સમાજ કરતાં ઊંચી સમજતી હોય તો તે વહેલી ઘસાય છે, એવી શીખ આ કહેવત આપે છે.

કહેવતનો સાર: જે વ્યક્તિ અહંકારમાં પોતાને બીજા કરતાં ઊંચી માને છે, તેને જ સૌથી પહેલાં નુકસાન સહન કરવું પડે છે. નમ્રતા અને સમાનતાનો ભાવ જ વ્યક્તિને ટકાવી રાખે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)